બાંગ્લાદેશના દક્ષિણપૂર્વ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ૭૭ લોકોનાં મોત થયા છે. મોટાભાગના લોકો ભૂસ્ખલનને પગલે મોતને ભેટ્ય હોવાનું સત્તાવાર રીતે જણાવાયું હતું. સ્થાનિક પોલીસે મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરી છે.વરસાદ અને ભૂસ્ખલનને લીધે પ્રભાવિત મોટાભાગનો વિસ્તાર છેવાડાનો છે. બચાવ અને રાહત કામગીરી માટે ડીઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ હાલ ઘટનાસ્થળે પહોંચી છે. ભારે વરસાદને પગલે આ વિસ્તારમાં ફોન તેમજ પરિવહન સંપર્ક તૂટી ગયો છે. બચાવકામગીરી કરી રહેલી ટીમનો પણ સંપર્ક થઈ શક્યો નથી જેથી સંપૂર્ણ માહિતી મળી શકી નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના પ્રમુખ રિયાઝ અહેમદે એજન્સીને જણાવ્યા મુજબ હાલ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.વરસાદ તેમજ ભૂસ્ખલનને લીધે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લામાં રંગામાટી તેમજ બંદરબનનો સમાવેશ થાય છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવાર સવારથી મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. સત્તાવાર માહિતી મુજબ સોમવારે રંગામાટી ખાતે ૩૪૩ મિલિમીટર વરસાદ પડ્યો હતો. મંગળવારે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ રંગામાટીમાં મૃતકોમાં ચાર સૈનિકોનો પણ સમાવેશ થાય છે. બાંગ્લાદેશના પાટનગર ઢાકા અને ચટગાંવમાં પણ ભારેવ રસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે કલાકો સુધી પરિવહન ઠપ થઈ ગયો હતો. અગાઉ મોરા વાવાઝોડાને પગલે બાંગ્લાદેશના દક્ષિણપૂર્વ વિસ્તારમાં ભારે ખુંવારી થઈ હતી. વાવાઝોડામાં આઠ લોકોનાં મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા તેમજ હજારો ઘરોને નુકસાન થયું હતું.
આગળની પોસ્ટ