વિરાટ કોહલીનું કહેવું છે કે ધોનીની કેપ્ટન્સી છોડવાની વાત તેને દોઢ મહિના પહેલા જ ખબર હતી. વિરાટ તે સમયે મોહાલીમાં ટેસ્ટ રમી રહ્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં કોહલીએ કહ્યું કે જ્યારે તેને જણાવવામાં આવ્યું કે ટેસ્ટ બાદ તેને વન ડે અને ટી-૨૦નો પણ કેપ્ટન બનાવવામાં આવી રહ્યો છે ત્યારે તે ઇમોશનલ થઇ ગયો હતો. આ સમયે ગર્લફ્રેન્ડ અનુષ્કા પણ તેની સાથે હતી. વિરાટે સ્ટાર સ્પોટ્ર્સને આપેલા ઇન્ટરવ્યૂમાં કેટલીક વાતોનો ખુલાસો કર્યો છે. ૪ જાન્યુઆરી, ૨૦૧૭માં ધોનીના કેપ્ટન્સી છોડવાના સમાચાર આવ્યા હતા. ધોનીએ બીસીસીઆઇને મેલ દ્વારા રાજીનામું મોકલ્યું હતું. ત્યારે એમ કહેવામાં આવ્યું કે ધોનીએ જે રીતે ટેસ્ટ કેપ્ટન્સી અચાનક છોડી દીધી હતી, તેવી રીતે જ વન ડે-ટી-૨૦ની કેપ્ટન્સી છોડવાનો નિર્ણય પણ અચાનક જ લીધો.પરંતુ વિરાટ અનુસાર- તેને મોહાલી ટેસ્ટ દરમિયાન જ આ મામલે જણાવી દેવામાં આવ્યું હતું. તમને જણાવી દઇએ કે ભારતે ૨૬થી ૨૮ નવેમ્બર સુધી ઇંગ્લેન્ડ વિરૂદ્ધ મોહાલીમાં ટેસ્ટ મેચ રમી હતી.વિરાટની વાતથી સ્પષ્ટ થાય છે કે ધોનીએ અચાનક કેપ્ટન્સી નહતી છોડી પરંતુ આ બીસીસીઆઇનું પ્રી-પ્લાનિંગ હતું. વિરાટને આ મામલે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વન-ડે શ્રેણીના આશરે ૧.૫ મહિના પહેલા જ જણાવી દેવામાં આવ્યું હતું.ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ શ્રેણી બાદ વન ડે અને ટી-૨૦ સિરીઝ પણ રમી હતી. તેની માટે ૬ જાન્યુઆરી, ૨૦૧૭માં ટીમ સિલેક્શન થયુ હતું. આ પહેલા ૪ જાન્યુઆરીએ ધોનીએ ટીમ ઇન્ડિયાની વન ડે અને ટી-૨૦ની કેપ્ટન્સી છોડી દીધી હતી.