શું આપ ઓનલાઈન શોપિંગ કરો છો ? સરકાર હવે એની પણ વિગતો અને માહિતી જાણવા માગે છે. આગામી મહિનાથી સરકાર પોતાના એક્સપેન્ડિચર સર્વેમાં પ્રથમ વાર લોકોને ઈ-કોમર્સના ખર્ચ અંગે પૂછશે. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન આગામી કન્ઝ્યુમર એક્સપેન્ડિચર સર્વે જુલાઈમાં શરૂ કરનાર છે અને આ સર્વે જૂન-૨૦૧૮ સુધી ચાલશે.દેશભરમાં આ સર્વે દર વર્ષે યોજાય છે તેમાં શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં કોમોડિટી અને સર્વિસીસ પર થતા ખર્ચના પારિવારિક સ્તરે આંકડા એકત્ર કરવામાં આવે છે.
આ સર્વે સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સરકારી ડેટા મેનેજરોનું માનવું છે કે ઈ-કોમર્સ પર ખર્ચ હવે એટલી હદે થઈ રહ્યો છે કે તેની ઉપેક્ષા કરી શકાય નહીં. સરકાર હવે નેશનલ ઈકોનોમિક ડેટા બેઝમાં તેનો સમાવેશ કરવા માગે છે.રેડસિયર કન્સલ્ટિંગના અભ્યાસ મુજબ ૨૦૧૬માં દેશના ઈ-કોમર્સ સેક્ટરનો વેપાર ૧૪.૫ અબજ ડોલર જેટલો હતો. જ્યારે ભારતમાં વાર્ષિક રિટેલ સ્પેન્ડિંગ ૭૫૦ અબજ ડોલરનું છે. ઈ-કોમર્સ સેક્ટર હજુ નાનું છે, પરંતુ તેમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.