અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-૧ અને વર્ગ-૨માં ફરજ બજાવતા ૨૩૮ જેટલા ઉચ્ચ અધિકારીઓને તેમની સંપત્તિની વિગતો જાહેર કરવા માટે વારંવાર પરિપત્ર કરવામાં આવ્યા બાદ પણ એક પણ અધિકારી દ્વારા તેમની સંપત્તિની વિગતો જાહેર કરવામાં ન આવતા અંતે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ૩૧ મેની અંતિમ તારીખ આપવામાં આવી હતી.આમછતાં માત્રત્ર ૨૫ જેટલા અધિકારીઓ દ્વારા જ તેમની આવક અને સંપત્તિ અંગેની વિગતો દર્શાવતી વિગતો જાહેર કરીને સેન્ટ્રલ ઓફિસને મોકલી આપવામાં આવી છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દર વર્ષે આવકવેરાનું રીટર્ન ભરવા ઉપરાંત સ્થાવર,જંગમ મિલ્કતો નોકરીમાં જોડાયા તે સમયે કેટલી હતી અને હાલ કેટલી છે એ વિગતો દર વર્ષે મ્યુનિસિપલ સેન્ટ્રલ ઓફિસને જાણ કરવાની રહે છે.વર્ષ-૨૦૧૦ થી મ્યુનિસિપલ કોર્પોરેશનના એકાઉન્ટ વિભાગ તરફથી આ અંગે અનેક પરિપત્રો કરવામાં આવ્યા હોવા છતાં કોઈ અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લેતા ન હતા.દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર હેલ્થ,સીટી ઈજનેર સહીતના ચાર જેટલા ઉચ્ચ અધિકારીઓને આવક કરતા વધુ સંપત્તિ રાખવાના કેસમાં ઈન્કમટેકસ વિભાગ તરફથી નોટિસ ફટકારવામાં આવતા મ્યુનિસિપલ તંત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.આ નોટીસના પગલે મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે સેન્ટ્લ ઓફિસ દ્વારા વર્ગ-૧,૨ અને ૩ના મળી કુલ ૨,૦૦૦થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓની સંપત્તિની વિગતો મંગાવી હતી.જેમાં ૨૩૮ જેટલા ઉચ્ચ અધિકારીઓને ૩૧ મે સુધીમાં વિગતો જાહેર કરવાની કડક સુચના આપવામાં આવી હતી. બીજી તરફ ઈન્કમટેક્ષ અને ઈડી દ્વારા મોકલવામાં આવેલી નોટિસના પગલે બે કરોડનો બંગલો ધરાવતા એક સીટી ઈજનેરે તાકીદની અસરથી નોકરીમાંથી રાજીનામુ આપી દીધુ હતુ.જેનો સત્તાવાળાઓ દ્વારા સ્વીકાર પણ કરી લેવામાં આવ્યો હતો.આજ પ્રમાણે ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ સામે પણ આવક કરતા વધુ સંપત્તિ મામલે નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે.મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ઉચ્ચ ્ અધિકારીઓ કેટલી હદે જાડી ચામડીના બની શકે છે એ વાતની પ્રતીતી તેમણે મ્યુનિસિપલ કમિશનરને પણ કરાવી દીધી છે.કમિશનરની અંતિમ મુદત છતાં માત્ર ૨૫ અધિકારીઓએ જ તેમની આવક અને સંપત્તિની વિગતો જાહેર કરી છે.