Aapnu Gujarat
Uncategorized

આબરડી સફારી પાર્ક મુદ્દે હાઇકોર્ટે માંગેલો ખુલાસો : શુક્રવાર સુધી જવાબ રજુ કરવા આદેશ

અમરેલી જિલ્લાના ધારી નજીક આબરડી સફારી પાર્ક બનાવવાના કારણે અનેક જંગલી પ્રાણીઓનું રહેણાંક છીનવાઇ જવાની દહેશત વ્યકત કરતી અને વન્યજીવોના હિતમાં સફારી પાર્કના નિર્માણ કાર્યને અટકાવવા દાદ માંગતી જાહેરહિતની રિટ અરજીમાં ગુજરાત હાઇકોર્ટે આજે રાજય સરકારનો ખુલાસો માંગ્યો હતો. હાઇકોર્ટે રાજય સરકારને કેટલાક વેધક સવાલો પણ કર્યા હતા અને પૃચ્છા કરી હતી કે, જયારે પ્રસ્તુત સફારી પાર્ક માટે સેન્ટ્રલ ઝુ ઓથોરીટીએ પણ પરવાનગી નથી આપી ત્યારે સરકારે કેમ આ પ્રકારનો નિર્ણય લીધો? કાયદામાં જે બાબત અનિવાર્ય ગણાવાઇ છે તેને અવગણીને કે ઉપરવટ જઇને સરકાર કેવી રીતે નિર્ણય લઇ શકે? આ સમગ્ર મામલે હાઇકોર્ટે શુક્રવાર સુધીમાં જવાબ આપવા રાજય સરકારને નિર્દેશ કર્યો હતો.શ્‌ આબરડી સફારી પાર્ક મામલે થયેલી પીઆઇએલની સુનાવણી દરમ્યાન આજે હાઇકોર્ટે સરકારને સીધા સવાલો કર્યા હતા કે, કોઇ કમીટી સીધેસીધો નિર્ણય કેવી રીતે કરી શકે? જયારે કાયદામાં જે નિર્ણય લેવાની જેને સત્તા અપાઇ હોય તેની પાસેથી પરવાનગી ના લેવાઇ હોય તો તેમ સફારી પાર્ક કેવી રીતે શરૂ કરી શકો? કેન્દ્રની જરૂરી પરવાનગી વિના તમે બારોબાર સફારી પાર્કનું કામ શરૂ કરી દો તે બાબત કેટલા અંશે વ્યાજબી છે. હાઇકોર્ટે આ તમામ મુદ્દાઓ પર ખુલાસો કરવા સરકારને શુક્રવાર સુધીનો સમય આપ્યો હતો. જાહેરહિતની રિટમાં એ મતલબની રજૂઆત કરાઇ હતી કે, છેલ્લા ૧૦ વર્ષથી વનવિભાગ દ્વારા આ સફારી પાર્કને મંજૂરી આપવામાં આવતી ન હતી અને અચાનક તા.૧૮-૫-૨૦૧૭ના રોજ કેન્દ્ર સરકારે કોઇપણ પ્રકારનું નીરીક્ષણ કે પૂરતી ચકાસણી વિના જ આ પાર્ક માટેની મંજૂરી આપી દીધી છે. પીઆઇએલમાં એવો ગંભીર આક્ષેપ કરાયો હતો કે, પાર્કની મંજૂરી આપનાર કમીટીના એક સભ્યનું વ્યકિતગત હિત તેમાં સંકળાયેલું છે, તેથી બારોબાર અને તાત્કાલિક પાર્ક માટેની મંજૂરી આપી દેવાઇ છે. વનવિભાગની જમીન પર આકાર પામી રહેલા આ સફારી પાર્કના કારણે વન્ય પ્રાણી સુરક્ષા નિયમો અને અધિનિયમની જોગવાઇઓનો ભંગ થાય છે. એટલું જ નહી, અહીંના જંગલ વિસ્તારના મુકત રીતે વિહરતા સિંહોનો પરિભ્રમણ વિસ્તાર નિયંત્રિત થઇ જશે. સફારી પાર્ક જયાં આકાર પામવાનું છે તે જંગલ વિસ્તાર સિંહ સહિતના અન્ય જંગલના પ્રાણીઓ માટેનું નિવાસસ્થાન છે. લગભગ ૪૦૦ હેકટરમાં આ સફારી પાર્ક ઉભુ થનારું છે, જયાં ૧૮થી ૨૦ સિંહ અને સિંહણ વસવાટ કરી રહ્યા છે. આ સિંહોની વસ્તીને બળજબરીપૂર્વક અન્યત્ર ખસેડવું કોઇપણ રીતે ઉચિત નથી. વળી, ગીર ખાતે આ પ્રકારના પાર્ક અને વન્ય પ્રાણી જોવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે ત્યારે ધારી નજીક આ સફારી પાર્ક ઉભું કરવાની કોઇ જરૂરિયાત નથી. સિંહોને પરાણે અહીંથી હટાવવાના પ્રયાસમાં સિંહો માનવ વસાહત તરફ જાય છે અને તેના પરિણામે ગ્રામજનો પર સિંહોના હુમલાનું પ્રમાણ વધ્યું છે. આ વિસ્તારમાં અત્યારે ૩૦૦ જેટલા ચિંકારા, ૨૦૦થી ૩૦૦ જેટલા હરણ, ૨૫૦ જેટલા બ્લુ બુલ, ૮થી ૧૦ શિયાળ સહિતના પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. આમાંની કેટલીક પ્રજાતિને પકડવા પર કાયદામાં પ્રતિબંધ હોવાછતાં તેમને પકડીને ફેન્સીંગની બહાર ધકેલી દેવાયા છે. આ સમગ્ર વિસ્તાર ઇકો સેન્સીટીવ ઝોનમાં હોવાછતાં અહીં સફારી પાર્ક ઉભો થઇ રહ્યો છે.
પાર્કના કારણે પડનારી પર્યાવરણીય અસરો અને તેના માઠા પરિણામોની તપાસ થઇ નથી. છેલ્લા પાંચ વર્ષમાં ગીર અભયારણ્યમાં ૩૧૦ સિંહોના મૃત્યુ થયા છે. જેમાં ૨૫ સિંહ અને ૧૨૧ જેટલા દિપડાના મૃત્યુ તો અકુદરતી રીતે થયા છે. હાઇકોર્ટે કેસની ગંભીરતા ધ્યાનમાં લઇ સફારી પાર્કના નિર્માણ કાર્ય સામે સ્ટે જારી કરવો જોઇએ.

Related posts

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગણતંત્રપર્વની કરવામાં આવી ઉજવણી

editor

પુત્રએ પિતાનું કાસળ કાઢ્યું

aapnugujarat

પાણીના અભાવે કેરીનો પાક નિષ્ફળ જતા ખેડૂતો બેહાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1