ઉત્તરાખંડમાં મોનસુન સિઝનની શરૂઆત ૨૦મી જૂનના દિવસથી થઇ શકે છે. હવામાન વિભાગ દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. બીજી બાજુ આ પહાડી રાજ્યમાં વરસાદી ઝાપટાઓનો દોર યથાવતરીતે જારી રહ્યો છે. ચારધામની યાત્રા વિસ્તારમાં પણ ભારે વરસાદ જારી રહ્યો છે જેથી હજારોની સંખ્યામાં હજુ પણ લોકો અટવાયેલા છે. મોટાભાગના મેદાની ભાગો અને પહાડી વિસ્તારોમાં વરસાદ જારી રહ્યો છે. હવામાન વિભાગના કહેવા મુજબ પ્રિ-મોનસુની વરસાદી ઝાપટાનો દોર યથાવતરીતે જારી રહ્યો છે. ભેખડો ધસી પડવાના બનાવો પણ બન્યા છે. ચારધામના રુટ ઉપર ભેખડો ધસી પડતા મોટી સંખ્યામાં લોકો અટવાઈ પડ્યા છે. વાહનોની પણ લાંબી લાઈનો લાગી ગઈ છે.
હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ અકબંધ રહી શકે છે. બીજી બાજુ મોનસુની સિઝનની શરૂઆત ૨૦મી જૂનના દિવસથી થશે. દેશના જુદા જુદા ભાગોમાંથી હાલમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચારધામ પહોંચેલા છે. ચારધામની યાત્રાને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પણ કરવામાં આવી છે. આ વખતે ચારધામની યાત્રા શરૂ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા. બીજી બાજુ ચારધામની યાત્રામાં હાલમાં ભારે વરસાદના લીધે જટિલ સમસ્યા સર્જાઈ હતી અને હજારોની સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની ફરજ પડી હતી. ઉત્તરાખંડમાં હંમેશા મોનસુની સિઝન દરમિયાન ભારે વરસાદ પડે છે. આવી સ્થિતિમાં આ વખતે પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
આગળની પોસ્ટ