વડોદરાના સર્જક ઠક્કરની સંવેદનાસભર સર્જનશીલતા અને બૌધ્ધિક પ્રતિભા ઇન્ટરનેટ ટેકનોલોજીના આધારસ્થંભ સમાન ગુગલને સ્પર્શી ગઇ છે. વિશ્વસ્તરીય ગુગલ સમર કોડ સ્પર્ધામાં કલર બ્લાઇન્ડસ એટલે કે રંગ અંધતાથી પીડિત લોકો માટે રંગ વૈવિધ્યની પરખ સરળ અને સુગમ બનાવતી ઇમેજ પ્રોસેસીંગ લાયબ્રેરી ઇજાદ કરવાનો સર્જકનો વિચાર સ્વીકારાયો છે અને આ વિચારને એક વાયેબલ પ્રોજેક્ટના રૂપમાં સાકાર કરવા ગુગલે સર્જકને ત્રણ મહિનાની મુદત આપી છે. તેની સાથે જ ટેકનોલોજીને માનવ યાતના ઘટાડવાના એક માધ્યમના રૂપમાં ઉપયોગ કરવાની એની વિચારધારાને પ્રોત્સાહિત કરવા ગુગલે ૨૫૦૦ ડોલર્સ (અંદાજે રૂા. ૧.૫૦ થી ૧.૭૫ લાખ) નો રીવોર્ડ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુગલ દ્વારા સમર કોડ સ્પર્ધાનું જાગતિકસ્તરે નિયમિત આયોજન કરવામાં આવે છે જેનો આશય સમાજની ઉપયોગીતા અને માનવીય ઉપયોગીતા સાથે જોડાયેલી સંશોધન વૃત્તિ અને સંશોધનાત્મક વિચારશીલતાને પ્રોત્સાહિત કરવાનો છે. હાલમાં સર્જક ધી પ્રોસેસીંગ ફાઉન્ડેશનના છત્ર હેઠળ પોતાના વિચારને પ્રોજેક્ટમાં સાકાર કરવા પ્રયત્નશીલ છે જેના માટે તેને ૩૦મી ઓગસ્ટ, ૨૦૧૭ સુધીની સમય મર્યાદા આપવામાં આવી છે.
પૂર્વ પત્રકાર પિતા શ્રી પંકજ ઠક્કર અને ધારાશાસ્ત્રી માતા પારૂલ દેસાઇ ઠક્કરનો પુત્ર એવો સર્જક ઠક્કર હાલમાં તામિલનાડુમાં વેલ્લોર ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કરી રહ્યો છે. કોમ્પ્યુટર એન્જીનિયરીંગના શિક્ષણમાં એક વિષય તરીકે ભણાવાતા ઇમેજ પ્રોસેસીંગનો ઉપયોગ કલર બ્લાઇન્ડસને રંગોની ઓળખ આપવા માટે થઇ શકે કે કેમ તેવી જિજ્ઞાસામાંથી આ વિચારબીજ રોપાયુ છે. સર્જક જણાવે છે કે, પ્રોસેસીંગ લાયબ્રેરીના માધ્યમથી ઇમેજીસ (આકૃતિ)ઓનું પ્રોસેસીંગ અને રંગોની વિવિધતાની તારવણી કલર બ્લાઇન્ડસ માટે સરળ બનાવવાનો મારો વિચાર છે. આંખની ખામીને લીધે આવા લોકો આકૃતિમાં (ઇમેજ) કેટલાક રંગો પારખી શકતા નથી. વિવિધ પ્રકારના અલગોરીધમ્સની મદદથી આકૃતિના કલર્સ સુધારીને રંગ વિવિધતાની પરખ સરળ બનાવવાનો તેનો આઇડીયા છે.
કલર બ્લાઇન્ડનેસ એ મહદાંશે જન્મજાત ખામી છે અને ક્યારેક કેટલીક દવાઓ કે રોગોની આડઅસરથી પણ પેદા થાય છે એવી જાણકારી આપતા વરિષ્ઠ નેત્રરોગ ચિકિત્સક ડૉ. અશોક મહેતા જણાવે છે કે આ રોગ નાઇલાજ છે. આંખના પરદાના કોષના વિકાસમાં ખામીને લીધે થતા આ રોગના ટોટલ, પાર્શીય અને મિક્સ સહિત પેટા પ્રકારો છે. કેટલીક વ્યક્તિઓમાં લાલ કે લીલા રંગને ન ઓળખવાની ખામી જોવા મળે છે. આ રોગ વ્યક્તિને ટેકનીકલ અને સંવેદનશીલ જોબ્સ માટે અક્ષમ બનાવે છે. જો કે આવા લોકો નોન ટેકનીકલ-કલેરીકલ જોબ્સ માટે લાયક ગણાય છે. ભૂતકાળમાં રોગ પીડિતો માટે ખાસ પ્રકારના મોનોક્યુલર કોન્ટેક્ટ લેન્સ વિકસાવવાનો પ્રયાસ થયો હતો જે સફળ થયો નથી. સમાજમાં આ રોગનું ચોક્કસ પ્રમાણ જાણવા મળતું નથી. તેમણે સર્જકનો આ પ્રયાસ સફળ નીવડે તેવી શુભેચ્છા પાઠવી છે.
સર્જકની સાથે ગુગલ સમર કોડ સ્પર્ધામાં દેશના ૩૬ જેટલા યુવાનોના વિચારો ગુગલ કોડ ડેવલપ કરવા માટે સ્વીકારાયા છે. ગુગલ સફળ પ્રોજેક્ટસને ઓનલાઇન કોડના રૂપમાં ઉપલબ્ધ કરાવે છે જેનો સાર્વજનિક ઉપયોગ થઇ શકે છે. સર્જકનો વિચાર રંગનો અંધાપો ભોગવનારાના જીવનમાં મેઘધનુષી રંગોની ઓળખ સુલભ બનાવે એવી શુભેચ્છા.