મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવા માટે રેલવે પ્રધાન સુરેશ પ્રભુ અને એક પ્રાઈવેટ ગ્રૂપની વચ્ચે સમજૂતી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે હબીબગંજ રેલવે સ્ટેશન ઇન્ડિયાનું પહેલું હાઈટેક સ્ટેશન હશે, જે એરપોર્ટની જેમ બનાવવામાં આવશે. અહીં લોકોને ઘણી બધી સુવિધાઓ પણ મળશે.આ સ્ટેશન આઈઆરડીસીની અંદર આવનારાં આઠ મોડલ સ્ટેશનમાં આવે છે. આ પ્રોજેક્ટમાં લગભગ ૪૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. માત્ર પ્લેટફોર્મનું જ કામ થતાં ૧૦૦ કરોડ રૂપિયાની આસપાસ ખર્ચ આવશે. સ્ટેશનને ડેવલપ કરવા માટે કોમર્શિયલ સ્પેસની ૪૫ વર્ષ માટે લીઝ લેવાઈ છે.મોડલ સ્ટેશન બનવાથી જે કમાણી થશે તેનાથી રેલવેને સારી કમાણીની આશા છે. આ મોડલ સ્ટેશન પર વીજળી માટે સૌર એનર્જીનો ઉપયોગ કરાશે. રેલવે સ્ટેશન પર પાર્કિંગથી લઈને ફૂડ કોર્ટ પણ હશે. સ્ટેશનમાં છ લિફ્ટની સાથે ૧૧ એસ્કેલેટર પણ લગાવાશે. સાથે-સાથે પગપાળા ચાલનારા લોકો માટે બે સબ-વે પણ બનાવાશે.પાર્સલ લઈ જવા માટે અલગથી એક કોરિડોર બનશે. આ સ્ટેશનને કોઈ પણ ઘટના સમયે ચારથી પાંચ મિનિટે ખાલી પણ કરાવી શકાશે અને આગ લાગતાં યાત્રીઓ માત્ર છ મિનિટમાં બહાર પણ નીકળી શકશે. અહીં શોપિંગ માટે દુકાનો, ફૂટ કોર્ટ, હોસ્પિટલની સાથે ઘણી બધી સુવિધાઓ મળવાના કારણે આ દેશને પહેલા મોડલ સ્ટેશનનો દરજ્જો આપવામાં આવ્યો છે.