ઈવીએમ ટેપરિંગના વિવાદ બાદ હવે ચૂંટણી પંચે અદાલતની જેમ ચૂંટણી પંચને પણ અવગણના કરનાર સામે કાર્યવાહી કરવાનો અધિકાર આપવા માગણી કરી છે.જેમાં ચૂંટણી પંચ સામે સવાલ ઉઠાવનારા અને ગમે તેવાં નિવેદન કરનારા લોકો સામે અવગણનાની કાર્યવાહી થઈ શકે તે માટે પંચને અધિકાર આપવાની માગણી સાથે કાનૂન મંત્રાલય સમક્ષ રજૂઆત કરી છે.આ અંગે ચૂંટણી પંચે તેના બંધારણીય અધિકારને લઈને જણાવ્યું છે કે આવી રજૂઆત એટલા માટે કરવામાં આવી છે કે લોકો બંધારણીય સંસ્થાઓ પર બેબુનિયાદ આક્ષેપો લગાવી તેની છબિ ખરાબ કરી ન શકે. તાજેતરમાં જ વિપક્ષો દ્વારા જે રીતે ચૂંટણી પંચ પર સત્તાધારી પક્ષના એજન્ટ તરીકે કામ કરવાનો આક્ષેપ કરવામા આવ્યો હતો અને તેના કારણે ચૂંટણી પંચે તેના તરફથી કેટલાક ખુલાસા કરવાની ફરજ પડી હતી. તેથી આ મુદે ચૂંટણી પંચે અદાલતની અવગણના કરવા બદલ જે રીતે કાર્યવાહી કરવામાં આવે છે તેવી રીતે ચૂંટણી પંચને પણ જે લોકો ચૂંટણી પંચ સામે કોઈ આક્ષેપ કે રજૂઆતો કરે તેમની સામે પંચની અવગણના બદલ કાર્યવાહી થઈ શકે તે માટે તેમને અધિકાર આપવામાં આવે તેવી રજૂઆત કરી છે.જેમાં પાકિસ્તાનના ચૂંટણી પંચને જે રીતે અધિકાર મળ્યો છે તેવો અધિકાર આપવા માગણી કરવામાં આવી છે.ચૂંટણી પંચે બંધારણીય સંસ્થાઓ સામે કંઈ પણ બોલવા અને પંચ તેમજ તેના સભ્યની નિષ્ઠા સામે સવાલ ઉઠાવી તેની છબિ ખરાબ કરવાની બાબતને અયોગ્ય ગણાવી આ અંગે પંચ કોઈ કાર્યવાહી કરી શકે તેવા અધિકાર આપવા માગણી કરી છે. ખાસ કરીને કેજરીવાલ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલ બાદ ચૂંટણી પંચે આવી રજૂઆત કરી છે.