બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેના સરકારી ઓફિસે સ્થાનિક અખબાર ધ ગાર્જિયનની એ ખબરને પાયાવિહોણી ગણાવી છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે, અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટનનો પ્રવાસ રદ્દ કર્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, બ્રિટનમાં ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધમાં કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનને કારણે ટ્રમ્પ તેનો બ્રિટન પ્રવાસ રદ કરી શકે છે. ત્યારબાદ બ્રિટનની પીએમ ઓફિસે જણાવ્યં કે, ડોનાલ્ડ ટ્રમ્પના બ્રિટન પ્રવાસમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. એ રાબેતા મુજબ ચાલુ રહેશે.થેરેસા મેની ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું કે, બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર થયેલી વાતચીતને આધાર બનાવી ટ્રમ્પના પ્રવાસ અંગે કોઈ નિર્ણય કરી શકાય નહીં. વધુમાં તેમણે જણાવ્યું કે, ટ્રમ્પના બ્રિટન પ્રવાસમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સાથે જ વ્હાઈટ હાઉસે પણ આ અંગે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાથી ઈનકાર કર્યો છે.
જોકે હજી સુધી ડોનાલ્ડ ટ્રમ્પના બ્રિટન પ્રવાસ અંગે સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી. સૂત્રોનું માનીએ તો ટ્રમ્પ આગામી ઓક્ટોબર મહિનામાં બ્રિટનના પ્રવાસે જઈ શકે છે. આપને જણાવી દઈએ કે, વિતેલા દિવસોમાં લંડનમનાં થયેલા આતંકી હુમલા બાદ ટ્રમ્પે ટ્રાવેલ બેનની ભલામણ કરી હતી. આ મામલે ટ્રમ્પે લંડનના મેયર સાદીક ખાનના નિવેદનની પણ નિંદા કરી હતી. ત્યારબાદ બ્રિટનમાં ટ્રમ્પને તેના નિવેદનને લઈને ભારે આલોચનાનો સામને કરવો પડ્યો છે.