અમેરિકાના પૂર્વ ફેડરલ પ્રોસિક્યુટર પ્રીત ભરારાએ જણાવ્યું છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંખ્યાબંધ ફોન કોલ મળ્યા પછી તેમની હકાલપટ્ટી કરાઈ છે.મીડિયા ઈન્ટરવ્યૂમાં પ્રીત ભરારાએ જણાવ્યું હતું કે વર્તમાન સપ્તાહમાં તેમને ટ્રમ્પના સંખ્યાબંધ ફોન મળ્યા હતા અને એક્ઝિક્યુટિવ બ્રાન્ચ અને સ્વતંત્ર ફોજદારી તપાસને જૂદી પાડી ન શકાય તેટલા બધા ફોન તેમને મળ્યા હતાં. તેમણે ત્રીજો ફોન ઉપાડવાની ના પાડતાં તેમની હકાલપટ્ટી કરાઈ હતી.પ્રીત ભરારાની નિમણૂક પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ કરી હતી. વ્હાઈટ હાઉસે આ અંગે તાત્કાલિક કોઈ પ્રતિભાવ આપ્યા નથી. તેઓ મેનહટ્ટનમાં સેવા બજાવતા હતાં. ભરારાએ જણાવ્યું હતું કે ટ્રમ્પ તેમને ૨૦૧૬ના અંત ભાગમાં મળ્યા હતાં. તેઓ તેમની સાથે કોઈ સંબંધ કેળવવા માગતા હોય તેમ લાગતું હતું. પ્રમુખ બન્યા પછી ટ્રમ્પ આટલા બધા ફોન કરે તે અયોગ્ય ગણાય. ઓબામાએ સાડા સાત વર્ષમાં તેમને એક પણ ફોન કર્યો ન હતો.