સ્વરાજ ઇન્ડિયાના વડા યોગેન્દ્ર યાદવ અને સામાજિક ઍક્ટિવિસ્ટ મેધા પાટકર તેમ જ સ્વામી અગ્નિવેશની ગઈ કાલે મધ્ય પ્રદેશના રતલામ જિલ્લામાં ધરપકડ કરવામાં આવી હતા. આ ઍક્ટિવિસ્ટો મંદસૌર શહેરમાં ખેડૂતોના આંદોલનમાં પોલીસના ગોળીબારમાં માર્યા ગયેલા લોકોનાં કુટુંબોને દિલાસો આપવા જઈ રહ્યા હતા.
આ ઍક્ટિવિસ્ટોની સંખ્યા લગભગ ૩૦ જેટલી હતી. તેમને પોલીસે રતલામ જિલ્લાના જરોરા નગરના ટોલપ્લાઝા નજીક રોક્યા હતા.
શનિવારે જ મંદસૌરમાંથી કરફ્યુ હટાવી લેવામાં આવ્યો હતો. પોલીસે અટકાવતા ઍક્ટિવિસ્ટોએ વિરોધ કયોર્ હતો.
તેઓ મહુ-નિમચ હાઇવે પર ધરણાં પર બેઠા હતા અને ટ્રાફિકની અવરજવર રોકી હતી. ઍક્ટિવિસ્ટોએ સરકાર વિરુદ્ધ અને ખેડૂતોની તરફેણમાં નારાબાજી કરી હતી. આ નારાબાજી લગભગ એક કલાક સુધી ચાલી હતી. ત્યાર બાદ પોલીસે આ ૩૦ ઍક્ટિવિસ્ટોની ધરપકડ કરી હતી.ધરપકડ થયા બાદ યોગેન્દ્ર યાદવે પત્રકારોને માહિતી આપી હતી કે ‘અમારી ધરપકડ ગેરકાયદે છે, કારણ કે અમને કોઈ લેખિત આદેશ બતાવવામાં આવ્યો નહોતો. અમારે મૃત્યુ પામેલા ખેડૂતોનાં કુટુંબોને મળવું હતું, શાંતિથી તેમનું સન્માન કરવું હતું તેમ જ તેમને એક પત્ર અને દેશના જુદા-જુદા ભાગોમાંથી લાવેલી માટી આપવાં હતાં; પરંતુ અમને મંદસૌર જવા દેવામાં આવ્યા નહોતા.’
પાછલી પોસ્ટ