કળયુગનાં અષ્ટાવક્ર મુનિ એટલે સતનારાયણ પાઠક બાપુ. બંન્ને પગ નથી, બે હાથ નથી, કાને બહેરાશ, માત્ર કમરથી માથા સુધીનું શરીર તેમાં પણ પેટ-છાતી અને માથા વચ્ચે કોઈ અંતર જ નહીં. સુવા-બેસવાની તકલીફો વચ્ચે બાપુ ભગવાનનું નામ લઈ મોજમાં રહે છે.
ઝાંસીનાં તાલવેટ ગામાં કરેગા વિસ્તારનાં માત્ર ૫૦ વર્ષની ઉંમરનાં અતિમાઅતિ વામ અને જાણે કળયુગનાં અષ્ટાવક્ર ઋષિ હોય તેવી યાદ આપતા સતનારાયણ પાઠક આજકાલ સોમનાથમાં છે. સોમનાથના એસટી બસ ડેપો સામે સોમનાથ ટ્રસ્ટના પ્રસાદઘરની ફુટપાથ ઉપર બાપુ બિરાજમાન રહે છે. બાપુ બંન્ને પગે ચાલી શકતાનથી એટલે કે બંન્ને પગ નથી, બંન્ને હાથ નથી અને સાંભળી પણ શકતા નથી. શરીર માત્ર કમરથી માથા સુધી જ છે અને કમરથી માથા સુધીની ઉંચાઈ માત્ર સવા ફુટ છે જ્યારે છાતીની પહોળાઈ માત્ર એક ઈંચથી થોડી ઓછી છે. કમર-પેટ-છાતી-માથુ બધું એકસાથે જોડાઈ સળંગ શરીર બન્યું છે, તેમનો બલિયા-યુપી ખાતે આશ્રમ છે અને ઉજ્જૈન નિવાસી તેઓ જન્મથી જ અપંગ છે, તેમનાં પાંચ ભાઈઓમાં તેઓ નાનાં છે. રાત્રે સામાન્ય માણસની જેમ સુઈ શકતાં નથી, તેઓ શરીરની આજુબાજુ તકીયા રાખી બેઠા-બેઠા સુઈ જાય છે, તેઓ છેલ્લાં ૧૦ વર્ષથી ભારતનાં તીર્થધામો ભ્રમણ કરે છે, તેમની સાથે તેમનો ભત્રીજો રહે છે.
સોમનાથનાં દર્શન પણ તેમને ઉંચકીને થઈ શક્યા હતાં, તેઓ મથુરા-વૃંદાવન, બનારસ, અયોધ્યા, ચાર કુંભમેળા જેમાં અલાહાબાદ, નાસિક, હરિદ્વાર, ઉજ્જૈન કર્યા છે. ઉપરાંત વૈષ્ણવદેવી, તિરૂપતિ બાલાજી, ગંગાસાગરનાં દર્શન કર્યા છે.
સોમનાથ દર્શને આવતાં યાત્રિકો ૨૧મી સદીનાં આ યુગનાં અષ્ટાવક્ર મુનિને જોઈ પગે લાગે છે. મોબાઈલમાં ફોટા ક્લિક કરે છે. શરીર એટલું બધું અપંગ છે કે બીજા તો હતાશ થઈ જાય પરંતુ બાપુ મોજથી જાણે કે ‘દુનિયામાં કિતના ગમ હૈ..મેરા ગમ કિતના કમ હૈ’ તેમ બાપુ મોજથી રહે છે. ભગવાનનાં સહારે જ અમે જીવીએ છઈએ. દિવ્યાંગોનો સહારો ભગવાન જ છે. સોમનાથ ટ્રસ્ટ ખાતે ટ્રસ્ટ મદદનીશ મેનેજર જાડેજા, શક્તિસિંહ, મહિપતસિંહ તથા મિત્રમંડળ તેમની મદદ માટે તત્પર રહે છે.
રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)