મુંબઈની એક કોર્ટે બોલિવુડ એક્ટર Sanjay Dutt ની વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યો છે. આ વોરંટ શકીલ નૂરાનીને ધમકી આપવાના કેસમાં જારી કરવામાં આવ્યો છે. આ કેસમાં ચાર વર્ષ પહેલા પણ કોર્ટે Sanjay Dutt ની વિરુધ્ધ વોરંટ જારી કર્યો હતો. આ કેસ 15 વર્ષ જૂનો છે. વર્ષ ૨૦૦૨ માં શકીલ નૂરાની ‘જાન કી બાજી’ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. તેમણે આ ફિલ્મ માટે અભિનેતા સંજય દત્તને પચાસ લાખ રૂપિયા આપી સાઈન કર્યા હતા. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. બધું ઠીક હતું પરંતુ અચાનક સંજયે આ ફિલ્મ વચ્ચે જ છોડી દીધી હતી.
સંજય દત્તને ફિલ્મ છોડવાના કારણે નિર્માતા શકીલ નૂરાનીને લગભગ 5 કરોડ રૂપિયાનું ભારે નુકસાન થયું હતું. આ વાતથી નૂરાની ઘણા ઉદાસ હતા. આરોપ હતો કે, ત્યારબાદ જ્યારે શકીલ નૂરાનીએ સંજય દત્ત સાથે સંપર્ક કર્યો તો સંજય દત્તે તેમને મારી નાખવાની ધમકી આપી હતી. નૂરાનીનો એવો પણ આરોપ છે કે, સંજયે તેમને અંડરવર્લ્ડ તરફથી ધમકી આપી હતી. સંજય દત્તનું વર્તન જોઈ નૂરાનીએ કાનૂનની મદદ લીધી હતી અને તેમની વિરુદ્ધ ધમકી આપવાનો કેસ નોંધાવ્યો હતો. જેના કારણે વર્ષ ૨૦૧૩ માં અંધેરી મેટ્રોપોલિટીયનકોર્ટે અભિનેતા સંજય દત્તની વિરુધ્ધ વોરંટ જારી કર્યો હતો. ત્યારથી આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.
હવે કોર્ટે આ કેસમાં શનિવારે સંજય દત્તને સમન્સ મોકલ્યું હતું પરંતુ સંજય દત્ત કોર્ટમાં પેશી દરમિયાન હાજર રહ્યા નહિ. આ વાતથી ગુસ્સે થઇ અંધેરી મેટ્રોપોલિટીયન કોર્ટે એકવાર ફરીથી તેમની વિરુધ્ધ ગેરજમાનતી વોરંટ જારી કર્યો છે. જો કે, હજુ સુધી બોલિવુડ એક્ટર સંજય દત્ત તરફથી આ કેસમાં કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. અત્યારે સંજય દત્ત તેમની કમબેક ફિલ્મ ભૂમિનાં શૂટિંગમાં વ્યસ્ત છે.