ઉત્તર પ્રદેશમાં મથુરા જિલ્લાના મકેરા વિસ્તારમાં એક કાર નદીમાં ખાબકી જતાં ૧૦ લોકોના મોત થઇ ગયા હતા અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં પાંચ પુરુષ અને પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે. બરેલીના એક પરિવારને આ દુર્ઘટના નડી હતી. આ પરિવાર બરેલીના રાજીવ કોલોનીમાં રહેનાર હોવાની વિગત મળી છે. દુર્ઘટનાગ્રસ્ત કારમાં શ્રદ્ધાળુઓ હતા. પોલીસ અધિકારી આદિત્ય શુક્લાએ માહિતી આપતા કહ્યું છ ેકે, કારમાં રહેલા લોકો મહેંદીપુર બાલાજી મંદિરથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. પરત ફરતી વેળા આ કાર મકેરા નદીમાં ખાબકી ગઈ હતી. આઠના મૃતદેહ મળી આવ્યા છે. બાકીના મૃતદેહોની શોધખોળ ચાલી રહી છે. કોઇની પણ ઓળખ હજુ સુધી થઇ શકી નથી. પોલીસે તપાસના આદેશ કરી દીધા છે. કાર નદીમાં ખાબકી ગયા બાદ સ્થાનિક લોકો પણ આસપાસથી દોડી આવ્યા હતા અને બચાવ અને રાહત કામગીરીમાં જોડાયા હતા.