Aapnu Gujarat
શિક્ષણ

ધોરણ-૧૧ સાયન્સમાં પ્રવેશ માટે ત્રીજુ મેરિટ લીસ્ટ જારી

ધોરણ-૧૧ સાયન્સમાં પ્રવેશ માટે ત્રીજુ મેરિટ લીસ્ટ જારી ધોરણ-૧૧ સાયન્સમાં પ્રવેશ માટે શહેરની સાયન્સ સ્કૂલોે આજે શુક્રવારે ત્રીજુ મેરિટલીસ્ટ જાહેર કર્યું હતું. ત્રીજા મેરિટલીસ્ટમાં પ્રવેશ કાર્યવાહીનું મેરિટ ૫૦થી ૬૦ ટકા વચ્ચે અટકયુ હતું. ત્રીજા મેરિટલીસ્ટની સાથે જ હવે સ્કૂલોમાં વર્ગદીઠ ૫૦ વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થશે. આગામી તબક્કામાં હવે સાયન્સ સ્કૂલોમાં વર્ગ દીઠ અનામત કેટેગરીના ૧૬ વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.  અનામત કેટેગરીના વિદ્યાર્થીઓના પ્રવેશ કાર્યવાહી અંતર્ગત તા.૧૪ અને ૧૫ જૂનના રોજ શહેરની આઠ સ્કૂલોમાંથી ફોર્મ મળી શકશે. વિદ્યાર્થીઓએ આ ફોર્મ ત્યાં જ ભરીને પરત કરી દેવાના રહેશે. એ પછી આ ફોર્મની સ્ક્ર્‌ટીની બાદ તા.૧૯મી જૂનના રોજ ડીઇઓ કચેરી દ્વારા અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને વિવિધ સ્કૂલોમાં પ્રવેશ ફાળવવામાં આવશે.  પ્રાપ્ત માહિતી મુજબ, ધોરણ-૧૧ સાયન્સમાં કેન્દ્રીય પ્રવેશ પધ્ધતિ મુજબ, પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્કૂલોએ પોતાના ૪૦ વિદ્યાર્થીઓ અને અન્ય સ્કૂલના ૧૦ વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીના ભાગરૂપે આજે શાળાઓ દ્વારા ત્રીજી મેરિટયાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં મેરિટ ૫૦થી ૬૦ ટકા વચ્ચે અટકયું હતું. જયારે કેટલીક સ્કૂલોમાં તો તેનાથી પણ નીચુ મેરિટ નોંધાયું હતું. ત્રીજા મેરિટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓ આવતીકાલે શનિવારે સાંજ સુધી નિયત ફી ભરી તેમના પ્રવેશ કન્ફર્મ કરાવી શકશે. વર્ગદીઠ ૫૦ વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી હવે પૂર્ણ થઇ રહી છે ત્યારે ડીઇઓ કચેરી સત્તાવાળાઓ તા.૧૪ જૂનથી અનામત કેટેગરીની ૧૬ બેઠકોની કાર્યવાહી હાથ ધરવાની તૈયારીમાં પડયા છે. તા.૧૪ અને ૧૫ જૂન એમ બે દિવસ દરમ્યાન શહેરની આઠ શાળાઓ ખાતે ફોર્મ વિતરણ અને સ્વીકારવાની કાર્યવાહી હાથ ધરાશે. એ પછી તા.૧૯મી જૂને રાયખડ ખાતેની કન્યા શાળામાં અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે.

Related posts

કેનેડામાં ઓનલાઈન કોર્સ કર્યો હશે તો પણ વર્ક પરમિટ મળશે

aapnugujarat

ફી સંબંધી પ્રશ્નોના નિકાલ માટે શાળા સંચાલકો સાથે બેઠક યોજાશે : ચુડાસમા

editor

જેઇઇ : ૧.૬૦ લાખ વિદ્યાર્થી દ્વારા રજિસ્ટ્રેશન કરાવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1