અનિલ કુંબલે અને વિરાટ કોહલી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણમાં અનિલ કુંબલેની સ્થિતિ વધારે મજબૂત દેખાઈ રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે. અનિલ કુંબલેને જ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવે તેવી શક્યતા છે. ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ ટીમના કોચના હોદ્દા માટે નવી અરજીઓ આમંત્રિત કરવામાં આવી હોવા છતાં મહાન સ્પીનર અનિલ કુંબલે ૨૦૧૯ના વર્લ્ડકપ સુધી કોચ તરીકે રહે તેવી શક્યતા છે. કુંબલેના કોચ તરીકેના ગાળાને ૨૦૧૯ સુધી લંબાવવામાં આવી શકે છે. ક્રિકેટ એડવાઈઝરી કમિટિના બે સભ્યો કુંબલેના કોન્ટ્રાક્ટને લંબાવવા માટે ઇચ્છુક છે. આનો મતલબ એ થયો કે સત્તાવાર જાહેરાત માત્ર ઔપચારિકતા તરીકે રહી છે. સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણે અનિલ કુંબલેની તરફેણ કરી છે જ્યારે ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પૂર્વ સ્પીનરને બદલી નાંખવા અને નવા ઉમેદવારને લઇને ઇચ્છા રાખી છે. સિનિયર અધિકારીઓ માની રહ્યા છે કે, કુંબલેની અવધિને પૂર્ણ કરી દેવાની બાબત યોગ્ય નથી. કુંબલે અને કોહલી વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે જેથી કુંબલેને દૂર કરવાના અહેવાલ મળી રહ્યા છે પરંતુ ખેંચતાણ વચ્ચે કુંબલેની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે. સચિન અને લક્ષ્મણે ટેકો આપ્યો છે. સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ હાલ લંડનમાં છે. આ લોકોએ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચની પસંદગીના મુદ્દા ઉપર ચર્ચા કરી છે. ગુરુવારે મોડી રાત્રે બે કલાક સુધી આ ત્રણેય વચ્ચે ચર્ચા થઇ હતી. મોડેથી બોર્ડના સીઇઓ રાહુલ જોહરીને જાણ કરવામાં આવી હતી કે, તેમને વધારે સમયની જરૂર છે. બીસીસીઆઈની ક્રિકેટ એડવાઈઝરી કમિટિની બેઠક આજે મળી હતી. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના હેડકોચની પસંદગીના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ બીસીસીઆઈના કારોબારી પ્રમુખ સીકે ખન્નાએ સેક્રેટરી અમિતાભ ચૌધરીને પત્ર લખીને વેસ્ટઇન્ડિઝના પ્રવાસના અંત સુધી ભરતી પ્રક્રિયાને મોકૂફ રાખવા અનુરોધ કર્યો હતો. ખન્નાએ પત્રમાં એમ પણ કહ્યું છે કે, સેક્રેટરીને પત્ર લખીને ૨૬મી જૂન સુધી ભરતી પ્રક્રિયાને રોકી દેવા માટે કહેવામાં આવ્યું છે. ૨૬મી જૂનના દિવસે બીસીસીઆઈની એસજીએમની બેઠક યોજાનાર છે. એવું પણ જાણવા મળ્યું છે. સીએસીના સભ્યો કોઇપણ ઇન્ટરવ્યુ કરવા સામે નિર્ણય કરી ચુક્યા છે. કેપ્ટન વિરાટ કોહલી અને કુંબલે વચ્ચે ખેંચતાણ જાણીતી બની ગઈ છે. આજ કારણસર બીસીસીઆઈએ કોચના પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી હતી. અનિલ કુંબલેના નેતૃત્વમાં ભારતીય ટીમે જોરદાર દેખાવ કર્યો છે. જો ભારતીય ક્રિકેટ ટીમ સેમિફાઇનલમાં અથવા તો ફાઇનલમાં પહોંચશે તો બીસીસીઆઈને વધુ ફટકો પડી શકે છે.
(અનુસંધાન નીચેના પાને)