બોલીવુડ સ્ટાર સલમાન ખાન અને શાહરુખ ખાનના નજીકના મિત્ર અને કોંગ્રેસના નેતા બાબા સિદ્દીકી મનિલોન્ડરિંગ કેસના સંબંધમાં આજે ઇડી સમક્ષ ઉપસ્થિત થયા હતા. બાંદરામાં ૪૦૦ કરોડ રૂપિયાના ઝુંપડપટ્ટી પુનઃવસવાટ પ્રોજેક્ટમાં ગેરરીતી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં તેઓ ઇડી સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા. ઇડી સમક્ષ તેમની જુબાની લેવામાં આવી હતી. અધિકારીઓના કહેવા મુજબ પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ કેસમાં તેમનું નિવેદન નોંધવા માટે તપાસ અધિકારી દ્વારા મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન સામે સમન્સ જારી કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય તપાસ સંસ્થાએ ૩૧મી મેના દિવસે સાત સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં સિદ્દીકીના આવાસનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક પોલીસ એફઆઈઆરના આધાર પર ઇડીએ હાલમાં જ સિદ્દીકી અને અન્ય ડઝન જેટલા લોકો સામે ફોજદારી કેસ દાખલ કર્યો હતો. બાંદરા પોલીસે લોકલ કોર્ટના આદેશ ઉપર ૨૦૧૪માં એફઆઈઆર દાખલ કરી હતી. ઝુપડપટ્ટી પુનઃવસવાટ પ્રોજેક્ટમાં નાણાંકીય ગેરરીતિમાં તપાસ કરવા સ્થાનિક કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટમાં સિદ્દીકીની સંડોવણી હોવાના આક્ષેપો થઇ ચુક્યા છે. ૨૦૦૦-૨૦૦૪ વચ્ચેના ગાળામાં મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના મુંબઈ બોર્ડના ચેરમેન તરીકે સિદ્દીકી રહ્યા હતા. ૨૦૧૨માં એક ફરિયાદીએ સ્થાનિક કોર્ટમાં રજૂઆત કરીને કહ્યું હતું કે, નિવાસી ઇમારતમાં ફાળવવામાં આવેલા ફ્લેટ બનાવટી દસ્તાવેજના આધાર પર આપવામાં આવ્યા છે. અન્ય ગેરરીતિઓ પણ મોટાપાયે થઇ ચુકી છે. એજન્સીને બેનામી કંપનીઓ અથવા તો ચોક્કસ મોરચે શંકા દેખાઈ હતી. જો કે, સિદ્દીકીએ આ કેસમાં તેમની સામે કરવામાં આવેલા આક્ષેપોને રદિયો આપ્યો હતો. સિદ્દીકી સલમાન ખાન અને શાહરુખ ખાનના નજીકના સાથીઓ પૈકીના એક છે. વારંવાર શાહરુખ અને સલમાનને તેઓ આમંત્રણ આપતા રહે છે. કોંગ્રેસના નેતા બાબા સિદ્દીકીએ ઇડી સમક્ષ આજે જુબાની આપી હતી. મની લોન્ડરિંગ કેસમાં તેમની સામે સકંજો વધુ મજબૂત કરવામાં આવી રહ્યો છે. ૩૧મી મેના દિવસે દરોડા પાડવામાં આવ્યા બાદથી જ કેન્દ્રીય તપાસ સંસ્થા દ્વારા તેમની સામે વધુ તપાસ કરવામાં આવી રહી હતી. સિદ્દીકીના સ્થળો, રિયલ એસ્ટેટ કંપની અને તેમની સાથે જોડાયેલા એક બિલ્ડર પર દરોડા પાડવામાં આવ્યા હતા. બાંદરામાં ઝુંપડપટ્ટી તોડીને બનાવવામાં આવેલા નિવાસી ઇમારતોના ફ્લેટની ફાળવણીને લઇને હોબાળો થયો હતો.