હાલમાં અનેક પ્રકારના પડકારોનો સામનો કરી રહેલી આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડે તેવી શક્યતા નહીંવત દેખાઇ રહી છે. પહેલા પાર્ટીએ ચૂંટણી લડવા માટેની તૈયારી કરી હતી અને ગુજરાતમાં એક મહાકાય સભા અને રેલી કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો. જો કે પંજાબ અને ગોવા વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની હાર થયાબાદ નિર્ણય બદલી દેવામાં આવ્યો છે. બુધવારે મોડી રાત્રે પાર્ટીના ગુજરાતના નેતા અને ગુજરાત પ્રભારી ગોપાલ રાય વચ્ચે બેઠક થઇ હતી. ગુજરાતના નેતાઓએ પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલને ગુજરાતની તમામ ૧૮૨ બેઠકો માટેની વિસ્તૃત માહિતી આપી હતી. સુત્રોના કહેવા મુજબ લાંબી ચર્ચા બાદ એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે હાલમાં ગુજરાતમાં ચૂંટણી લડવા માટેની ઉતાવળ કરવી જોઇએ નહી. જો કે અંતિમ નિર્ણય પાર્ટીની રાજકીય બાબતોની સમિતી દ્વારા લેવામાં આવનાર છે. ગુજરાતમાંથી આવેલા આમ આદમી પાર્ટીના ૧૫ નેતા સાથે પાર્ટી નેતા ગોપાલ રાય, આશીશ ખેતાન, આશુતોષ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. સુત્રોના કહેવા મુજબ થોડાક સમય સુધી બેઠકમાં કેજરીવાલ પણ હાજર રહ્યા હતા. કેજરીવાલે ગુજરાતના નેતાઓને કહ્યુ હતુ કે પંજાબ અને ગોવાથી પહેલાની સ્થિતી અલગ હતી અને સ્થિતી બદલાઇ ગઇ છે. જો ગુજરાત યુનિટના નેતાઓને લાગે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની શકે છે તો જ ચૂંટણી લડવી જોઇએ. ગુજરાતના એક નેતાએ કહ્યુ હતુ કે અમે ગુજરાતમાં કામ કરી રહ્યા છીએ તો લાગે છે કે અમે ચૂંટણી લડવા માટે તૈયાર છીએ પરંતુ જ્યારે એક તટસ્થ નિરીક્ષક તરીકે નિહાળીએ છીએ ત્યારે લાગે છે કે ગુજરાતમાં ઘણુ કામ બાકી છે. હાલમાં નાણાંકીય સ્થિતી પણ મજબુત નથી. હાલમાં સંગઠન ઉભા કરવા પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. અંતિમ નિર્ણય ટુંક સમયમાં થઇ શકે છે. સુત્રોના કહેવા મુજબ ગુજરાતના કેટલાક નેતાઓએ શરૂઆતમાં આ બાબત ઉપર નારાજગી પણ દર્શાવી હતી કે, લોકશાહીના આ કર્વમાં તેમને ભાગ લેવાની તક કેમ આપવામાં આવી રહી નથી. એએપીના નેતાઓનું કહેવું છે કે, ગુજરાતની અનેક જગ્યા પર સંગઠન ૮૦ ટકા તૈયાર છે. કેટલીક જગ્યાએ ૨૦ ટકા સંગઠન તૈયાર છે. પાર્ટીના ગુજરાતના મિડિયા પ્રભારી હર્ષિલ નાયક કહી ચુક્યા છે કે, અમે ગુજરાતની ૧૮૨ વિધાનસભા સીટની વિગતો પાર્ટી નેતૃત્વને સોંપી ચુક્યા છે. જેમાં દરેક વિધાનસભામાં પાર્ટીની સ્થિતિનો ઉલ્લેખ છે. કેટલા કાર્યકરો છે. બીજી પાર્ટીઓની સ્થિતિ શું છે. રાજકીય ગણતરી શું છે તમામ વાત કરાઈ છે. હર્ષિલ નાયકનું કહેવું છે કે, ગુજરાતમાં કોંગ્રેસ કરતા સારી સ્થિતિ આમ આદમી પાર્ટીની બની ચુકી છે.
આગામી દિવસોમાં વધુ મહેનત કરવામાં આવશે પરંતુ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી લડે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. હાલમાં એક પછી એક હારનો સામનો આમ આદમી પાર્ટીને કરવો પડ્યો છે. પંજાબ અને ગોવામાં હાર બાદ હાલત કફોડી બની છે. દિલ્હીમાં પણ એમસીડીની ચૂંટણીમાં એએપીની ભારત સામે હાર થઇ હતી.