Aapnu Gujarat
બ્લોગ

મોહમાયાના ચક્કરમાં સહેજ પણ નથી પડ્યો પ્રેમ કરૂ છું તને અને કરતો રહીશ જીવનભર

ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી ગયું છે અને સારું પરિણામ આવેલા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીઓ જોવા મળી રહી છે. ધોરણ 12ની પરીક્ષામાં ઉત્તમ પરિણામ સાથે ઉત્તીર્ણ થયેલ એક વિદ્યાર્થી એટલે અર્પિત. સામાન્ય પરિવારમાંથી આવતો અર્પિત ભણવામાં ખૂબ જ તેજસ્વી હોવાના કારણે આખા ગામનો તે લાડકો બની જાય છે અને પરિવાર સાથે આખા ગામની ઈચ્છા હોય છે કે અર્પિત શહેરમાં જઇને ઉચ્ચ અભ્યાસ કરે અને ગામનું નામ રોશન કરે. ખૂબ મોટી આશા અને આકાંક્ષાઓ વચ્ચે અર્પિત શહેરની નામાંકિત કોલેજમાં પ્રવેશ મેળવે છે. પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જેમ જેમ કોલેજનો પહેલો દિવસ નજીક આવતો જાય છે તેમ અર્પિત સહિત ગ્રામજનોમાં ઉત્સાહ વધી રહ્યો છે. અર્પિતને કોલેજ મોકલવા માટે આખું ગામ જાણે થનગની રહ્યું છે. સોમવારનો દિવસ આવતા અર્પિતના ઘરે વહેલી સવારથી ગ્રામજનો એકઠા થવા લાગે છે અને અર્પિત કોલેજ જવા તૈયાર થતા ઢોલ નગારાના નાદ અને અનેરા ઉત્સાહ સાથે ગ્રામજનો અર્પિતને ગામના ઝાંપા સુધી વળાવવા જાય છે. આખા ગામની આશાઓ સાથે અર્પિત શહેરમાં ભણવા માટે પ્રયાણ કરે છે. અર્પિત ભણવામાં તો હોંશિયાર છે અને સાથે તેનો રમૂજી સ્વભાવ હોવાથી તે કોઈપણ વ્યક્તિ સાથે સહજતાથી હળી મળી જાય છે. અર્પિત શહેરમાં આવી હોસ્ટેલમાં રહેવા લાગે છે અને પોતાનો સામાન હોસ્ટેલમાં મુકી સીધો કોલેજના પ્રથમ દિવસે જ અભ્યાસ માટે પહોંચી જાય છે. સમય કરતા થોડો વહેલો ક્લાસરૂમમાં અર્પિત પહોંચે છે અને થોડીવાર માટે એકલો ક્લાસરૂમમાં બેસી રહે છે. પ્રથમ દિવસે માત્ર ગણ્યાગાંઠયા વિદ્યાર્થીઓ કોલેજમાં આવે છે અને કોઈ અભ્યાસ કાર્ય શરૂ થતું નથી. એકાદ અઠવાડિયા સુધી કોલેજમાં આવું વાતાવરણ રહ્યા કરે છે તેમ છતાં પણ અર્પિત પૂરો સમય નિષ્ઠાથી કોલેજમાં ભણવા માટે આવી રહ્યો છે. એકાદ અઠવાડિયાનો સમય વિત્યા પછી કોલેજમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે અને કોલેજના પ્રોફેસર દ્વારા પોતાનો પરિચય આપીને વિદ્યાર્થીઓનો પરિચય પૂછવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ વારાફરતી પોતાનો પરિચય અને પોતાના વિશે થોડી વાતચીત કરી રહ્યા છે પરંતુ અર્પિતને એક પણ વિદ્યાર્થીની વાતચીતમાં કાંઈ વધારે પડતો રસ પડતો નથી. કોલેજમાં બપોર સુધી અભ્યાસ કરી અર્પિત હોસ્ટેલમાં આવે છે અને કોલેજના અભ્યાસના પહેલા દિવસ અંગે પોતાના મિત્રો સાથે ચર્ચા કરવાની શરૂ કરે છે. અર્પિતે તેના મિત્રોને જણાવ્યું કે મારા ક્લાસમાં આમ તો 50 જેટલા વિદ્યાર્થીઓ છે પરંતુ તેમાંથી એક પણ વિદ્યાર્થી મને એવો નથી લાગતો કે જે ફક્ત કોલેજમાં ભણવા અને પોતાની કેરિયર બનાવવા માટે આવ્યો હોય. મોટાભાગના વિદ્યાર્થીઓ કોલેજમાં મોજ મસ્તી કરવા માટે આવી રહ્યા હોય તેવું મને લાગી રહ્યું છે. છોકરાઓ તો ઠીક પરંતુ કેટલીક છોકરીઓ પણ કોલેજમાં ધીંગા મસ્તી કરવા માટે જ આવી રહી હોય તેવો મારો અનુભવ રહ્યો છે. આ સાંભળીને અર્પિતના મિત્ર નરેન્દ્રએ કહ્યું કે આ તો બધી કોલેજોમાં આવું જ હોય આ થોડી કાંઇ નિશાળ છે? આ નિશાળ નથી એ હું જાણું છું પરંતુ કોલેજએ વિદ્યાનું ધામ તો છે જ તેમ અર્પિત એ કહ્યું. આવી ચર્ચાનો લાંબો દોર ચાલી રહ્યો છે અને બધા મિત્રો પોતાના વિચાર સહજ રીતે રજુ કરી રહ્યા છે.બીજા દિવસે ક્લાસરૂમમાં અર્પિત સમયસર આવી ને બેઠો હોય છે ત્યારે સ્વરૂપવાન યુવતી ક્લાસમાં આવે છે. ક્લાસમાં ફક્ત એક યુવાનને જોઈને થોડી વાર યુવતી ક્લાસની બહાર નીકળી જવાનું મન બનાવે છે પરંતુ તે આ યુવકની પરીક્ષા કરવાનું નક્કી કરે છે. યુવતી ક્લાસની બહાર નીકળતી વખતે પર્સમાંથી યોજના પૂર્વક 100 રૂપિયા નીચે પાડી દે છે. આખો ક્લાસ ખાલી હોવાથી અર્પિત પોતે લાઈબ્રેરીમાં જઈને પુસ્તકો વાંચવાનું વિચારી રહ્યો છે અને અર્પિત જેવો પોતાના સ્થાન પરથી ઉભો થાય છે કે તેની નજર આ 100 રૂપિયાની નોટ પર પડે છે. અર્પિત વિચારે છે કે આ 100 રૂપિયા હું આવ્યો ત્યારે તો ક્લાસમાં ન હતા પરંતુ નક્કી કોલેજની તે વિદ્યાર્થીની ક્લાસમાં આવી હતી તેના જ હશે. અર્પિત 100 રૂપિયા પોતાની પાસે રાખે છે અને તે યુવતીને કોલેજ કેમ્પસમાં શોધવા લાગે છે. બધાના આશ્ચર્યનો પાર નથી રહેતો કે આજે અર્પિત યુવતીઓની પાછળ કેમ ફરી રહ્યો છે. ત્રીસક મિનિટ જેટલો સમય વીત્યા પછી અર્પિત ક્લાસ તરફ જઈ રહ્યો હોય છે ત્યારે તે જે યુવતીને શોધી રહ્યો હોય છે તે સામેથી આવતી દેખાય છે. અર્પિત તરત જ તેની પાસે જાય છે અને પોતાને મળેલા 100 રૂપિયા તેને આપે છે. યુવતીએ કહ્યું કે આ 100 રૂપિયા મારા નથી ત્યારે અર્પિત એ કહ્યું કે તમે જ્યારે ક્લાસમાં આવ્યા ત્યારે આ પૈસા તમારા પડી ગયા છે. કદાચ આ પૈસા તમારા નસીબમાં હશે એટલે જ પડી ગયા હશે તો આ પૈસા તમારે જ રાખી લેવા જોઈએ તેમ હિના નામની યુવતીએ કહ્યું. કદાચ મારે પૈસાની જરૂર પડશે તો તમારી પાસેથી માંગી લઈશ પરંતુ તમારા પૈસા આ રીતે મારે જોઈતા નથી અને હું આ પૈસા રાખી પણ શકું નહીં તેમ અર્પિતએ સ્પષ્ટ કહી દેતા હિનાએ પોતાના 100 રૂપિયા પોતાની પાસે રાખ્યા. બસ અહીંથી જ હિના અને અર્પિતની મિત્રતાની શરૂઆત થાય છે. હીના શહેરના પોશ વિસ્તારમાં રહે છે અને કરોડોની સંપત્તિ ધરાવતા પરિવારની એકની એક લાડલી દીકરી છે. મિત્રતા પછી તો હિના અને અર્પિત એકબીજાની સાથે જ જોવા મળી રહ્યા છે અને હિના અર્પિતને પોતાના ઘરે પણ ઘણી વખત સાથે લઇ જાય છે. હિનાના પરીવારના લોકો સાથે પણ અર્પિત સહજતાથી ભળી જાય છે. કોલેજના ત્રણ વર્ષના અભ્યાસ દરમ્યાન હંમેશા અર્પિત અવ્વલ આવે છે અને હિનાને દ્વિતીય સ્થાનથી સંતોષ માનવો પડે છે. કોલેજના ત્રણ વર્ષનો અભ્યાસ પુર્ણ થયા પછી જ્યારે અર્પિત નોકરીની શોધ કરે છે ત્યારે હિના અર્પિતને નોકરીના બદલે હજુ પણ આગળ ભણવા માટે સમજાવી રહી છે પરંતુ અર્પિત કહે છે કે મારા પરીવારે મને ખુબ આશાઓ સાથે ભણાવ્યો છે અને હવે એ સમય આવી ગયો છે કે હું પરીવારને આર્થિક રીતે મદદરૂપ બનુ. આ સાંભળીને હિનાએ કહ્યુ કે ભલે તું નોકરી કરે પણ સાથે અભ્યાસ પણ ચાલુ રાખજે. હિનાની વાતને અર્પિત ટાળી શકતો નથી અને એક કોલેજમાં બન્ને સાથે પ્રવેશ મેળવે છે. અહિથી હિનાના મનમાં પ્રેમના અંકુર ફુટવાની શરૂઆત થાય છે અને તે જ્યારે અર્પિતની સાથે બગીચામાં હોય છે ત્યારે પ્રેમનો એકરાર કરે છે. આપણે બન્ને તો મિત્ર છીએ અને તું આ શુ કહી રહી છે તેમ અર્પિતે કહ્યુ ત્યારે હિનાએ જણાવ્યુ કે, હું તને પ્રેમ કરૂ છું અને તું પણ મને પ્રેમ કરે છે તે હું સારી રીતે જાણુ છું. હવે તું પણ તારા મનની વાત તારા મોઢે કહી જ દે ત્યારે અર્પિતે કહ્યુ કે, “મોહમાયાના ચક્કરમાં સહેજ પણ નથી પડ્યો, પ્રેમ કરૂ છું તને અને કરતો રહીશ જીવનભર”. પછી તો અર્પિત અને હિના એકબીજાના બનીને મૌજથી કોલેજ જીવનનો આનંદ માણે છે.

Related posts

કેન્સર એટલે કેન્સલ!,૨૦૪૦ સુધી ૧.૫ કરોડથી વધુ લોકોને કેમોથેરેપીની જરૂર પડશે..!!?

aapnugujarat

ટ્રમ્પની નીતિઓ વિશ્વ માટે વિનાશક

aapnugujarat

फोन के ज्यादा इस्तेमाल से सिर की हड्डियों में असामान्य विकास

aapnugujarat

Leave a Comment

UA-96247877-1