ઈરાનના એલિટ રીવોલ્યૂશનરી ગાર્ડે બુધવારે ઈરાનની સંસદ અને ખુમૈની દરગાહ પર થયેલા આતંકી હુમલા માટે સાઉદી અરબ અને અમેરિકાને જવાબદાર ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, સાઉદી અરેબિયા તહેરાનની સંસદ અને ખુમૈની દરગાહ પર થયેલા આતંકી હુમલા માટે આતંકી સંગઠન આઇએસનું સમર્થન કર્યું છે.સાઉદી અરેબિયાના વિદેશપ્રધાન અબ્દેલ ઝૂબેરે ચેતવણી ઉચ્ચારતાં કહ્યું છે કે, ઈરાનને અખાતી ક્ષેત્રમાં દખલ કરવા અને આતંકીઓનું સમર્થન કરવા માટે મોટી કીમત ચુકવવી પડશે.બીજી તરફ ઈરાનના એલિટ રીવોલ્યૂશનરી ગાર્ડે તહેરાનમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેમણે જારી કરેલા એક સંદેશમાં જણાવ્યું છે કે, રીવોલ્યૂશનરી ગાર્ડ આતંકી હુમલામાં માર્યા ગયેલાં નાગરિકોના મોતનો હિસાબ વસૂલ કરશે.ઉલ્લેખનીય છે કે. ઈરાનમાં બે જગ્યાઓ પર આતંકીઓ દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા, જેની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ દ્વારા સ્વીકારવામાં આવી છે. આ હુમલામાં ૧૨ લોકોના મોત થયા હતા, જ્યારે ૪૦ જેટલા લોકોના ઘાયલ થયા હોવાના સમાચાર છે. ઈરાનની સંસદ ઉપર ત્રણ બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો, જેને સુરક્ષા જવાનોએ ઠાર માર્યા હતા. બીજો હુમલો ખુમૈની દરગાહ પર કરવામાં આવ્યો હતો, જ્યાં આત્મઘાતી હુમલાખોરે પોતાની જાતને વિસ્ફોટ કરીને ઉડાવી દિધી હતી.માર્ચ-૨૦૧૭માં આતંકીઓ દ્વારા ફારસી ભાષામાં એક વીડિયો જારી કરીને ચેતવણી આપવામાં આવી હતી કે, ઈરાન પર જીત મેળવી તેને સુન્ની દેશ બનાવવામાં આવશે. જેના પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખુમૈનીએ જણાવ્યું કે, યુરોપ સહિત વિશ્વમાં અનેક સ્થળો પર કરવામાં આવેલા આતંકી હુમલાઓએ એક વાત સાબિત કરી છે કે, પશ્ચિમ એશિયામાં યુરોપિય દેશોની નીતિ ખોટી પુરવાર થઈ છે.