મધ્યપ્રદેશના ભોપાલ ખાતે આવેલું હબીબગંજ રેલવે સ્ટેશન દેશનું પ્રથમ ખાનગી રેલવે સ્ટેશન તરીકે વિકસીત કરવામાં આવશે. આ રેલવે સ્ટેશનને આંતરરાષ્ટ્રીય ધોરણની સમકક્ષ બનાવવા માટે કેન્દ્ર સરકારે પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ બાંધવામાં આવશે તેવી જાહેરાત કરી છે જેથી દેશનું આ રેલવે સ્ટેશન પોતાની રીતે અનોખું રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે.હબીબગંજના રેલવે સ્ટેશનને આધુનિક અને વૈશ્વિક કક્ષાનું બનાવવા માટે સરકારે અહીંની સ્થાનિક કંપની બંસલ ગ્રુપને કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ કરાર મુજબ બંસલ ગ્રુપે સ્ટેશનના નવ નિર્માણથી લઈને આઠ વર્ષ સુધી તેની જાળવણી અને સંચાલન કરવાની જવાબદારી પણ નિભાવવી પડશે.સરકારે બંસલ ગ્રુપ કંપનીને ૪૫ વર્ષના લાંબા સમયગાળા માટે ભાડાપટ્ટે ચાર જમીન પાર્સલ્સની ફાળવણી કરી છે જેમાં રુપિયા ૧૦૦ કરોડનું રોકાણ સ્ટેશનને આધુનિક કરવા માટે અને વધારાના ચાર જમીન પાર્સલને રુપિયા ૩૫૦ કરોડના ખર્ચે વિકસિત કરવામાં આવશે. હબીબગંજ સ્ટેશનને વર્લ્ડ ક્લાસ ટ્રાન્ઝિટ હબ તરીકે રુપાંતરિત કરવામાં આવશે જેમાં શોપિંગ મોલ, રેસ્ટોરાં, પાર્કિંગ સહિત અન્ય સ્થળોનો વિકાસ કરવામાં આવશે.આ સ્ટેશન પર્યાવરણને અનુકૂળ પણ હશે જે સૌર ઊર્જા દ્વારા સંચાલિત હશે અને આ સ્ટેશન એવી સુવિધાઓથી સજ્જ હશે જે લોકોની સગવડ સાચવવાની સાથે સ્થાનિકોને પર્યાપ્ત રોજગાર પણ પુરા પાડી શકશે.