મહારાષ્ટ્રમાં ચાલી રહેલું ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. આજે સવારે વધુ એક ખેડૂતો આત્મહત્યા કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. આ અગાઉ નાસિકના બે ખેડૂતો પણ આત્મહત્યા કરી ચૂક્યા છે. હવે આજે સોલાપુરના કરમાલા તાલુકાના ૪૫ વર્ષના ધનાજી જાધવ નામના ખેડૂતે આત્મહત્યા કરી હતી.
દેવાંમાં ડૂબેલા આ ખેડૂતે આત્મહત્યા કરતાં પહેલાં રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને જણાવ્યું છે કે મારા અંતિમ સંસ્કાર કરવામાં ન આવે, પરંતુ મારા અન્ય ખેડૂત મિત્રોનાં દેવાં માફ કરવામાં આવે.
આ અગાઉ એવા સમાચારો છે કે રાજ્યની દેવેન્દ્ર ફડણવીસ સરકાર ખેડૂતોના આંદોલનના મામલે બેકફૂટ પર છે.
રાજ્યમાં આત્મહત્યાનો આંકડો વધ્યા બાદ હવે રાજ્ય સરકાર પાંચ એકરથી ઓછી જમીન ધરાવતા એક કરોડથી વધુ ખેડૂતોનાં દેવાં માફ કરી શકે છે તેની જાહેરાત ૩૧ ઓક્ટોબરના રોજ થઈ શકે છે.
મહારાષ્ટ્રના ખેડૂતોએ દેવેન્દ્ર ફડણવીસ સરકાર વિરુદ્ધ કિસાન ક્રાંતિના નામથી આંદોલન શરૂ કરી દીધું છે. આંદોલન કરી રહેલા ખેડૂતોએ અહેમદનગર જિલ્લામાં જંગી જથ્થામાં હાઈવે પર દૂધ વહેવડાવી દીધું હતું. મુંબઈ, થાણે, નવી મુંબઈ જેવા વિસ્તારોમાં દૂધ અને શાકભાજીનો પુરવઠો પૂરો પાડતું નાસિક ખેડૂત આંદોલનનું કેન્દ્ર બની ગયું છે.
જો આંદોલન જલદી સમેટાશે નહીં તો તેની અસર મુંબઈ અને આસપાસના શહેરમાં જોવા મળશે.
મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે વાતચીત થયા બાદ પુણતાંબાના ખેડૂતોની કોર કમિટી દ્વારા હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સોમવારે મહારાષ્ટ્ર બંધનાં એલાન સાથે કિસાનો ફરીથી સંગઠિત થયા હતા.