વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ટિ્વટર પર ખૂબ સક્રિય રહેતા હોય છે અને આ માધ્યમથી આવતી ફરિયાદો અને અરજીઓનો તેઓ ગંભીરતાથી વિચાર પણ કરતા હોય છે. ટિ્વટર પર તેમને કરવામાં આવતી ફરિયાદ અને અપીલનો તેઓ જવાબ પણ આપતા હોય છે. તેમના આ સ્વભાવને જાણીને જ એક વ્યક્તિએ મસ્તીમાં બુધવારે સુષ્માને ટિ્વટ કરી હતી કે, હું મંગળ પર ફસાઈ ગયો છું. મંગળયાન-૨ ક્યારે મોકલો છો? સુષ્મા સ્વરાજને પણ આ વ્યક્તિની મજાક સમજી જતા વાર ન લાગી. તેમણે પણ મજાક કરતા જવાબ આપ્યો હતો કે, તમે મંગળ પર હશો તો પણ ઈન્ડિયન એમ્બેસી તમને મદદ કરવા માટે તૈયાર છે.
અમેરિકાના શિકાગોમાં રહેતા કરણ સૈનીએ આ ટિ્વટ કરી હતી. તેણે ટિ્વટમાં લખ્યું હતું કે, ’સુષ્મા સ્વરાજ હું મંગળ પર ફસાઈ ગયો છું. ૯૮૭ દિવસ પહેલા મંગળયાનથી ભોજન મોકલામાં આવ્યું હતું, તે પુરૂ થઈ ગયું છે. મંગળયાન-૨ ક્યારે મોકલવામાં આવશે?’
આ વ્યક્તિએ તેની આ ટિ્વટ ઈસરોને પણ ટેગ કરી હતી.સુષ્મા સ્વરાજના ટિ્વટર પર ૮ મીલિયન ફોલોઅર્સ છે અને જ્યારે કોઈને કઈ પણ તકલીફ પડે ત્યારે તેઓ સુષ્મા સ્વરાજને ટિ્વટ કરી શકે છે. તેઓ આ ટિ્વટને પર્સનલી હેન્ડલ કરીને તેના હકારાત્મક જવાબ પણ આપે છે. જરૂર પડે ત્યાં વિદેશની એમ્બેસી સાથે વાત કરીને પણ જે લોકોને પાસપોર્ટ કે વિઝા લગતી કોઈ મુશ્કેલી હોય તો તેનો ઉકેલ પણ લાવે છે. સુષ્મા સ્વરાજની સક્રિયતા અને લોકપ્રિયતાના કારણે થોડા દિવસ પહેલાં અમુક પાકિસ્તાની નાગરિકોએ ભારતીય વિઝા માટે તેમને સીધી અરજી કરી હતી. પ્રક્રિયા પ્રમાણે પહેલા તેમણે પાકિસ્તાની અધિકારીઓનો સંપર્ક કરવાનો હોય. જોકે, સુષ્માએ તેમને હકારાત્મક જવાબ આપીને સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
આગળની પોસ્ટ