અમેરિકાની સંરક્ષણ સંસ્થા પેન્ટાગોને એક યાદીમાં જણાવ્યું છે કે, ચીન ભારતને ભૌગોલિક રીતે ઘેરવા કોઈ તક જતી કરવા માગતું નથી. જેથી હવે આગામી સમયમાં ચીન પાકિસ્તાનમાં પણ પોતાનું લશ્કરી મથક સ્થાપી ભારત માટે મુશ્કેલી વધારી શકે છે. જોકે ચીન આ મામલે પાકિસ્તાનને આતંક સામે લડવા મદદ કરી રહ્યું હોવાનું જણાવી રહ્યું છે. પરંતુ સૂત્રોનું માનીએ તો ડ્રેગનના ઈરાદા કંઈક જુદા જ છે.અમેરિકન સંસદે રજૂ કરેલા રિપોર્ટમાં પેન્ટાગોને જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૬માં ૧૮૦ બિલિયન ડોલરના ખર્ચે ચીને વિદેશોમાં સૈન્ય મથકો સ્થાપવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જે અંતર્ગત ચીને આફ્રિકન દેશ જીબૌટી ખાતે સૈન્ય મથક બનાવ્યા બાદ ચીન હવે પાકિસ્તાનમાં પણ પોતાનું સૈન્ય મથક સ્થાપી શકે છે. હકીકતમાં આ પ્રોજેક્ટ ચીનના સત્તાવાર સંરક્ષણ બજેટ કરતા પણ મોટો છે. ચીનનું આ વર્ષનું સત્તાવાર સંરક્ષણ બજેટ ૧૪૦.૪ બિલિયન ડોલર છે.ચીનના આફ્રિકન દેશમાં સ્થાપવામાં આવેલા નેવલ બેઝને લઈને અમેરિકા ચિંતિત છે તેનું કારણ અહીં અમેરિકાનું પણ લશ્કરી મથક આવેલું છે. તેમજ આ રૂટ સુએઝ નહેરમાં તથા રેડ સીમાં પ્રવેશનું દ્વાર છે.જોકે પેન્ટાગોનના રિપોર્ટમાં ભારતના વલણ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ પાકિસ્તાન પહેલાંથી જ ચાઈનિઝ શસ્ત્રોનું મુખ્ય બજાર રહ્યું છે. વર્ષ ૨૦૧૧થી ૨૦૧૫ વચ્ચે પાકિસ્તાનના ૨૦ બિલિયન ડોલરના સંરક્ષણ અંગેના ખર્ચમાં ૯ બિલિયન તો ચીની શસ્ત્ર સરંજામની ખરીદી પેટે ચૂકવાયા છે. ગત વર્ષે જ ચીને પાકિસ્તાન સાથે ૮ સબમરિન આપવાનો પણ કોન્ટ્રાક્ટ કર્યો છે.