કેન્દ્ર સરકારના પશુઓના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ મુકતા નોટિફિકેશનના વિરોધમાં અનેક રાજ્યોમાં ઘમાસાણ મચ્યુ છે. કેરળ સરકારે કેન્દ્રના નિર્ણયના વિરોધમાં વિધાનસભાનું એક દિવસીય સત્રનું આયોજન કર્યું છે. આ સત્રના આરંભ અગાઉ રાજ્યના ધારાસભ્યોએ વિધાનસભાની કેન્ટિનમાં બીફ બ્રેકફાસ્ટની લિજ્જત માણી હતી.
વિધાનસભા કેન્ટીનના કર્મચારીએ મીડિયાને જણાવ્યું હતું કે વિધાનસભાના સત્ર વખતે સામાન્ય રીતે સવારે ૧૧ વાગ્યા પછી બીફ પીરસવામાં આવે છે, પરંતુ આજે સવારે જ ૧૦ કિલો બીફ લાવવામાં આવ્યું હતું. અનેક ધારાસભ્યોએ વિધાનસભા સત્રના આરંભ અગાઉ જ બીફ ફ્રાયનો નાસ્તો કર્યો હતો.
કેરળના મુખ્યપ્રધાન પિનરાયી વિજયને ટ્વીટ કરી જણાવ્યું હતું કે કેરળ વિધાનસભાના વિશેષ સત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોના અધિકારોમાં અતિક્રમણના વિરોધમાં પ્રસ્તાવ પસાર કરાયો હતો.
રાજ્યોના અધિકારમાં સંસદને કાયદો પસાર કરવાનો કેન્દ્રને સત્તા નથી. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાને પણ કેન્દ્રના નોટિફિકેશનના વિરોધમાં ભાજપની ટીકા કરી હતી.
કેરળ સરકાર આ મુદ્દે હાઈકોર્ટ સુધી પહોંચી છે, પરંતુ કેરળ હાઈકોર્ટે પણ પશુઓના વેચાણ-ખરીદી અંગેના નિયમોને લગતા કેન્દ્રના નોટિફિકેશન સામે મનાઈ હુકમ આપવાનો ઈનકાર કર્યો હતો. બુધવારે આ મુદ્દે સુનાવણી માટે સંમત થયા પછી હાઈકોર્ટે મનાઈ હુકમ આપવાની ના પાડી હતી. જોકે આ મુદ્દે જવાબ રજૂ કરવા હાઈકોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું છે.