સાઉદી અરેબિયા સહિતના દેશોએ ડિપ્લોમેટિક સંબધો કાપી નાખ્યા બાદ ભારતે કતારમાં રહેતા પોતાના નાગરિકોને સાવચેત રહેવા તેમજ તેમના પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કરવાની સૂચના આપી છે. મંગળવારે સાઉદી અરેબિયા, યુએઈ, બેહરિન, ઈજિપ્તે આતંકીઓ સાથે સંબંધ રાખવાના આરોપસર કતાર સાથેના ડિપ્લોમેટિક સંબંધો કાપવાની જાહેરાત કરી હતી. કતાર સાથે ડિપ્લોમેટિક સંબંધો કાપતાની સાથે સાથે આ દેશો વચ્ચે ઉડતી અનેક એરલાઈન્સે પણ પોતાની ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી છે. જેના કારણે હજારો મુસાફરો અટવાઈ પડ્યા છે.આથી જ દોહામાં ભારતીય એમ્બેસી દ્વારા કતારમાં રહેતા ભારતીયોને તેમના ટ્રાવેલ એજન્ટ્સનો સંપર્ક કરીને તેમના પ્રવાસમાં જરૂરી ફેરફાર કરવાની સલાહ આપવામાં આવી છે.એમ્બેસીએ એક નિવેદનમાં કહ્યું છે કે તે અહીંની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. તેમજ અહીં રહેતા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કતાર ઓથોરિટી સાથે સતત સંપર્કમાં છે.સ્ટેટમેન્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં એવા કોઈ બનાવ નથી બન્યા જેનાથી નાગરિકોની સુરક્ષા સામે કોઈ ખતરો ઉભો થાય.