Aapnu Gujarat
બ્લોગ

યુદ્ધના આરે ઊભેલાં ઈરાન-અમેરિકાને અટકાવવા જરૂરી

ઇરાન અને અમેરિકા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ક્યારેક અમેરિકા ધમકી આપે છે તો ક્યારેક ઇરાન. મધ્ય-પૂર્વમાં અમેરિકી સેના હાજર છે અને તેના કારણે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. બ્રિટને તો પોતાનાં યુદ્ધજહાજો અખાત તરફ રવાના પણ કરી દીધાં છે. બ્રિટને પણ ઇરાનને ચેતવણી આપી દીધી છે કે તે ખતરનાક ખેલ ખેલવાનું બંધ કરે.આ ચેતવણી બાદ બ્રિટને પોતાના નૌકાદળનાં વિધ્વંસક યુદ્ધજહાજો ફારસના અખાત તરફ રવાના કરી દીધાં છે. મહત્ત્વની વાત એ પણ છે કે બ્રિટને ઇરાનનાં જે જહાજને જિબ્રાલ્ટરની નજીકના સમુદ્રમાં અટકાવ્યું છે તેના કેપ્ટન ભારતીય મૂળના છે. બ્રિટનનું કહેવું છે કે આ જહાજ યુરોપિયન સંઘના પ્રતિબંધનું ઉલ્લંઘન કરીને સિરિયાને ઓઇલનો પુરવઠો આપવા જઇ રહ્યું હતું.ઇરાનના વિદેશ મંત્રાલયે આ મામલે ખાસ કરીને જિબ્રાલ્ટરની ઘટનાને લઇ ચેતવણી આપી છે. ઇરાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અબ્બાસ મુસાવીએ જણાવ્યું છે કે ઇરાનના જહાજ પર બ્રિટનનો કબજો યોગ્ય નથી. મોટા આકારના આ ટેન્કરમાં ર૧ લાખ બેરલ લાઇટ ક્રૂડ ઓઇલ ભરેલું છે. તમામ સંબંધિત દેશોના હિતમાં આ ટેન્કર વિના વિલંબે છોડી દેવું જોઇએ. જો આવું કરવામાં આવશે નહીં તો તેનાં ભયાનક પરિણામ આવી શકે છે.
અખાતમાં સ્થિતિ ધીમે ધીમે સ્ફોટક બનતી જાય છે. એક બાજુ દુનિયાની મહાસત્તા મનાતા અમેરિકાએ વિનાશક પગલાં ભરવાની એકથી વધુ વખત ઇરાનને ચેતવણી આપી રહ્યું છે. તો બીજી બાજુ ઇરાન પણ ઝૂકવા તૈયાર નથી. આમ ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ છેડાવાનો ખતરો સ્પષ્ટપણે નજરે પડી રહ્યો છે, કારણ કે તાજા અહેવાલો અનુસાર ઇરાને અમેરિકાનાં જહાજોને ડુબાડી દેવાની પણ ધમકી આપી છે. આ સંજોગોમાં સવાલ એ ઊભો થાય છે કે ઇરાન પાસે એવી તો કઇ અને કેટલી તાકાત છે કે તે અમેરિકા સામે બાથ ભીડવાની હિંમત કરી રહ્યું છે.શિયા બહુમતી ધરાવતા ઇરાનની ચોમેર એવી સ્થિતિ છે કે ઇરાન સ્વયંને પણ સુરક્ષિત અનુભવી રહ્યું નથી.
ઇરાન એક બાજુ અમેરિકાની સેનાઓની સાથે-સાથે ઇઝરાયલ અને સુન્ની બહુમતી ધરાવતા સાઉદી અરેબિયાથી ઘેરાયેલું છે અને લાગ આવ્યે ઇઝરાયલ અને સાઉદી અરેબિયા પણ અમેરિકા સાથે હાથ મિલાવીને ઇરાનને ઘમરોળી શકે છે તો ઇરાન પાસે પણ શસ્ત્રોનો જંગી જથ્થો છે. આર્મી, નેવી અને એરફોર્સમાં મળીને ઇરાન પાસે કુલ પ.૩૪ લાખથી વધુ સૈનિકો છે. ઇરાનની કુલ વસ્તી આઠ કરોડથી વધુ છે. આટલી વસ્તી સાથે ઇરાનની પોતાની ક્ષમતા એટલી મજબૂત છે કે તે લાંબું યુદ્ધ લડી શકે તેમ છે. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સના અહેવાલ અનુસાર દુનિયાના ૧૩૬ દેશોની સેનાની યાદીમાં ઇરાન ૧૩મા ક્રમે સૌથી મોટી સેના ધરાવતો દેશ છે. બીજું ખતરનાક પાસું એ છે કે ઇરાન મિસાઇલ અને પરમાણુક્ષમતા ધરાવતાં શસ્ત્રો ધરાવે છે અને અણુબોમ્બ બનાવવા માટે જરૂરી સામગ્રી યુરેનિયમ સંવર્ધનનો કાર્યક્રમ પુરજોશમાં ચાલી રહ્યો છે.આમ, ઇરાન-અમેરિકાના સંભવિત યુદ્ધનું ખતરનાક પાસું એ છે કે માથા ફરેલ ઇરાન જો અણુશસ્ત્રોનો બેફામ ઉપયોગ કરશે તો તેનાં ભયાનક પરિણામ આવી શકે છે. બીજું ખતરનાક પાસું એ છે કે ઇરાન-અમેરિકાનું યુદ્ધ વિશ્વયુદ્ધમાં પણ પરિણમી શકે છે. કારણ કે રશિયા જેવા દેશો અમેરિકા સામેના યુદ્ધમાં ઇરાનની પડખે આવી શકે છે અને થોડા સમય પહેલાં પુતિને પણ આ મુદ્દે અમેરિકી પ્રમુખ ટ્રમ્પને ચીમકી આપી હતી. આ સંજોગોમાં કોઇ પણ ભોગે ઇરાન-અમેરિકાનું યુદ્ધ ટાળવા તમામ દેશોએ સઘન રાજકીય પ્રયાસો હાથ ધરવા જોઇએ.

Related posts

चमकी,बिहार,न्यायालय और सरकार

aapnugujarat

नेपाल में ओली की मुसीबत

editor

બીડી બાઈની જાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1