ખેડૂતોના આંદોલન દરમિયાન મધ્યપ્રદેશના મંદસોરમાં પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા લોકોને મળવા માટે કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રયાસ કર્યા હતા. જો કે, રાહુલને પોલીસે નિમચમાં કસ્ટડીમાં લઇ લીધા હતા. રાહુલ ગાંધી આજે રાજસ્થાનમાં માર્ગ મારફતે મધ્યપ્રદેશમાં પ્રવેશી ગયા હતા. રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ સચિન પાયલોટે કહ્યું હતું કે, ખેડૂતોના પરિવાર અમારાથી માત્ર એક કિલોમીટર દૂર હતા. આ લોકો અમને મળવા ઇચ્છુક હતા પરંતુ અમને રોકી દેવામાં આવ્યા હતા. સચિન પાયલોટે કહ્યું હતું કે, અમે માત્ર પીડીત પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરવા માટે અને લોકોેને શાંતિ જાળવવા માટે પહોંચ્યા હતા પરંતુ પોલીસ બળ પ્રયોગ કરી રહી હતી. ગાંધીએ પીડિત પરિવારોના સભ્યો સાથે ફોન પર વાત કરી હતી. રાહુલ પીડિત પરિવારોને મળ્યા વગર પરત ફરવા ઇચ્છુક ન હતા. રાહુલે મંદસોરમાં ખેડૂતોના મોત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મધ્યપ્રદેશની શિવરાજસિંહ સરકારને જવાબદાર ઠેરવીને કહ્યું હતું કે, મોદી અમીરોના લોન માફ કરી શકે છે પરંતુ ખેડૂતો માટે આવું કરવાની સ્થિતિમાં નથી. તેમણે કહ્યું હતું કે, મોદી અમીરોના ૧.૫૦ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી શકે છે. ખેડૂતોને કૃષિ પેદાશોના યોગ્ય ભાવ મળી રહ્યા નથી. મોદી યોગ્ય ભાવ આપી રહ્યા નથી. બોનસ આપી રહ્યા નથી. તેમને વળતર આપી શકતા નથી. મોદી માત્ર બુલેટ આપી શકે છે. સેંકડો કોંગ્રેસી કાર્યકરો તથા રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ સચિન પાયલોટ અને મધ્યપ્રદેશના ધારાસભ્ય જયવર્ધન સિંહને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા હતા. તેમને એક સિમેન્ટ કંપનીના ગેસ્ટહાઉસમાં લઇ જવામાં આવ્યા હતા. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મધ્યપ્રદેશમાં પોલીસ ગોળીબારના મુદ્દે શાબ્દિક યુદ્ધની શરૂઆત થઇ ચુકી છે. એક વિવાદાસ્પદ વિડિયો આ ગાળામાં સપાટી ઉપર આવતા આની ચર્ચા છે જેમાં કોંગ્રેસી ધારાસભ્ય ઉશ્કેરણીજનક કૃત્ય કરતા નજરે પડે છે. પ્રતિબંધાત્મક આદેશોનો ભંગ કરવા બદલ રાહુલને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. રાજસ્થાનની સરહદ ઉપર નિમચમાં પોલીસે તેમને અટકાયતમાં લઇ લીધા હતા. રાહુલ ગાંધી આજે સવારથી આક્રમક મૂડમાં દેખાયા હતા. રાહુલ અગાઉ મંદસોર પહોંચવા બાઇકની સવારી કરી હતી. કોંગ્રેસના કાફલામાં રાજસ્થાનથી કારમાં રાહુલ પ્રવેશ્યા હતા પરંતુ તેમને નિમચમાં પ્રવેશતા રોકી દેવામાં આવ્યા હતા. સચિન પાયલોટે પણ મોટરસાઇકલ સવારી કરી હતી. રાહુલે પણ મોટરસાઇકલ સવારી કરી હતી. મધ્યપ્રદેશ સરકારે મંદસોરની મુલાકાત લેવા ગાંધીને મંજુરી આપવામાં આવી ન હતી. પોલીસે રાજસ્થાનથી મધ્યપ્રદેશના રુટ ઉપર બેરીકેડ ગોઠવી દીધા હતા.
આગળની પોસ્ટ