મધ્યપ્રદેશના મંદસૌરમાં આંદોલનકારી ખેડુતો પર ગોળીબારના મામલે રાજકીય ગરમી વધી ગઇ છે. આક્ષેપ પ્રતિ આક્ષેપોના દોર વચ્ચે હવે મધ્યપ્રદેશ સરકારના એક પ્રધાને કબુલાત કરી છે કે પોલીસના ગોળીબારમાં જ ખેડુતોના મોત થયા હતા. રાજ્યના ગૃહ પ્રધાન ભુપેન્દ્રસિંહે મિડિયા સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે પાંચ ખેડુતોના મોત પોલીસ ગોળીબારમાં જ થયા હતા. તપાસમાં આ અંગેની જાણ થઇ છે. રાજ્ય સરકારના પ્રધાનો હજુ સુધી એમ જ કહી રહ્યા હતા કે ગોળીબાર અરાજક તત્વો દ્વારા કરવામાં આવ્યો હતો. ખેડુતો આ દાવાને ફગાવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે તે પહેલા બુધવારના દિવસે એમપી પોલીસ કહ્યુ હતુ કે આંદોલનકારી ખેડુતો પર ગોળીબાર પોલીસ દ્વારા જ કરવામાં આવ્યો હતો. આઇજી કાયદો અને વ્યવસ્થા મકરંદ દેઉસકરે માહિતી આપતા કહ્યુ છે કે દેખાવકારો પર પોલીસ દ્વારા જ ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે પોલીસે ગોળીબાર કર્યો હતો. પરંતુ જે સ્થિતીમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો તે અંગે વાત કરવી મુશ્કેલ છે. તપાસ હજુ સુધી જારી છે જેથી કોઇ વાત કરવી યોગ્ય રહેશે નહી. બીજી બાજુ રાજ્ય સરકાર તરફથી ગોળીબારની ઘટનામાં ન્યાયિક તપાસના આદેશ કરવામાં આવ્યા છે. સાથે સાથે મૃતકોના પરિવારના સભ્યોને એક કરોડ રૂપિયાની સહાયતા અને નોકરીની જાહેરાત કરવામાં આવી છે. પાકની વાજબી કિંમત સહિત ૧૦ માંગને લઇને રાજ્યના ખેડુતો પહેલી જુનથી હડતાળ પર છે. ૧૦મી જુન સુધી આંદોલન જારી રાખવાનો નિર્ણય કર્યો છે. છટ્ઠી જુનના દિવસે પોલીસના ગોળીબારમાં પાંચ ખેડુતોના મોત થયા હતા. ૧૦મી જૂન સુધી આંદોલન ન ચાલે તે માટે પ્રયાસ થઇ રહ્યા છે. ન્યાયિક તપાસના આદેશ કરાયા હોવા છતાં હિંસા અન્યત્ર વિસ્તારમાં પણ ફેલાઈ ચુકી છે. રાજ્ય સરકાર તરફથી વળતરની જાહેરાત થઇ ચુકી છે.