ફિલ્મ પદ્માવતીના નિર્માતા-નિર્દેશક સંજય લીલા ભણશાલીએ પોતાની ફિલ્મ ઉપર થયેલા વિવાદ પર સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, તેમની ફિલ્મમાં કોઇ પણ વાંધાજનક નથી. તેમણે કહ્યું છે કે, ફિલ્મને લઇને કોઇપણ સમુદાયને અપમાનિત કરવાના પ્રયાસ કરાઈ રહ્યા નથી. ભણશાળીએ એમ પણ કહ્યું છે કે, ફિલ્મની પટકથામાં અલાઉદ્દીન ખિલજી અને રાની પદ્માવતી વચ્ચે આવા કોઇ સપનાવાળા વાંધાજનક સીન નથી. જેનો આક્ષેપ કરીને ફિલ્મના નિર્દેશક સંજય લીલા સાથે મારામારી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલા જયપુરના જયગઢ કિલ્લામાં ફિલ્મના શૂટિંગ દરમિયાન રાજપૂત સમુદાયની કરણી સેના જૂથના લોકોએ તોડફોડ કરી હતી. ભણશાલી સાથે મારામારી કરી હતી. કરણી સેનાએ આક્ષેપ કર્યો હતો કે, ફિલ્મમાં રાજપૂત ઇતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યા છે. જયપુર વહીવટી તંત્રના યોગ્ય વલણના કારણે જ ફિલ્મના સેટ અને ક્રૂને વધારે નુકસાન થયું ન હતુ. ફિલ્મ સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે શક્તિશાળી મહારાણી ઉપર બની રહેલી ફિલ્મને લઇને સમગ્ર મેવાડ ગર્વ કરશે. અમે કોઇની ભાવનાઓને નુકસાન પહોંચાડવા માંગતા નથી. સ્થાનિક લોકોના સહયોગની અપેક્ષા રાખી રહ્યા છીએ. સમગ્ર વિશ્વ સુધી પદ્માવતીની વિરતાને પહોંચાડવાના હેતુસર આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. બીજી બાજુ સેન્સર બોર્ડના પુર્વ અધ્યક્ષ પ્રહલાદ નિહલાનીએ પણ સંજય લીલા પર થયેલા હુમલાની ટીકા કરી છે. સંજય લીલાની આ ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણાહુતિના આરે પહોંચી ગયુ છે. ફિલ્મમાં પદ્માવતિના રોલમાં દિપિકા છે જ્યારે શાહિદ કપુર તેની સાથે કામ કરી રહ્યો છે. અલાઉદ્દીનના રોલમાં રણવીર સિંહ કામ કરી રહ્યો છે. ફિલ્મને સફળ બનાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મને લઇને ચાહકો ઉત્સુક છે.