Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમથી કન્યા કેળવણીમાં ૧૭ ટકાના  વધારાની સાથોસાથ ડ્રોપ આઉટ રેશીયો ૧ ટકાથી પણ નીચે પહોંચ્યો છે : વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણ તડવી

રાજ્યવ્યાપી ત્રિદિસીય શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નર્મદા જિલ્લામાં આજરોજ આદિજાતિ વિકાસ અને વન વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીએ ગરૂડેશ્વર તાલુકાના કારેલી પ્રાથમિક શાળા ખાતેથી શાળા પ્રવેશોત્સવ- ૨૦૧૭ નો પ્રારંભ કરાવ્યો હતો. મંત્રીશ્રી સહિત કારેલી ગામના સરપંચ શ્રીમતી સુર્યાબેન તડવી, તાલુકા અગ્રણીશ્રી શંકરભાઇ, ગામના અગ્રણીશ્રી દલસુખભાઇ મહારાજ તથા શાળાના આચાર્યશ્રી સહિત મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. કારેલી પ્રાથમિક શાળા ખાતે મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી તથા ઉપસ્થિત મહાનુભાવોએ સૌ પ્રથમ આંગણવાડીના ભૂલકાંઓને કુમકુમ તિલક કરી ચોકલેટ આપી મોં મીઠા કરાવ્યા હતા. ત્યારબાદ ધોરણ- ૧ ના ૨૧ બાળકોને પણ કુમકુમ તિલક અને ચોકલેટ આપી પ્રવેશ અપાયો હતો.

 આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીએ જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન અને ત્યારના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૩ માં નર્મદા જિલ્લાથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથનો પ્રારંભ કરાવ્યો હતો, જેના કારણે નર્મદા જિલ્લામાં ૧૭ ટકાના વધારાની સાથોસાથ કન્યા કેળવણીમાં ડ્રોપ આઉટ રેશીયો ૧ ટકા થી પણ નીચા દરે સુધી પહોંચ્યો છે. હવે બાળકોના હસતા મુખે વાલીઓ સાથે આવીને આ શાળા પ્રવેશોત્સવમાં ભાગ લઇ પ્રવેશ મેળવે છે. પહેલાના સમયમાં શાળાએ જવા માટે પાંચ-સાત કિ.મી. ચાલીને  જવું પડતું હતું ત્યારે બાળકો ભણતા ઉઠી જતા અને નિરક્ષરતાનું પ્રમાણ વધી ગયું હતું. જ્યારે અત્યારે સ્થાનિક સ્તરે સુવિધાયુક્ત શાળાઓની વ્યવસ્થા કરાવામાં આવી છે. નર્મદા જિલ્લામાં બિરસા મુંડા આદિવાસી યુનિવર્સીટીની ટૂંક સમયમાં સ્થાપના થવાની છે, ત્યારે શિક્ષણ ક્ષેત્રે નર્મદા જિલ્લાને ઉચ્ચ સ્થાન મળશે. આદિવાસી ભાષા  અને આયુર્વેદિક પધ્ધતિ અંગે વિશેષ સંશોધનો પણ થનાર છે. કુમકુમ તિલકથી જે બાળકોને પ્રવેશ અપાયો છે. તેમનું જીવન સુખમય અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા મંત્રીશ્રીએ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અત્રે ૬ રૂમ બનનાર છે તેની સુવિધા બાળકોને વધારે પ્રોત્સાહિક કરશે. બાળકો ખુબ ઉત્સાહથી ખૂબ ભણે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ગામના અગ્રણીશ્રી દલસુખભાઇ મહારાજે સૌને આશિર્વચન પાઠવ્યા હતાં.

        મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી તથા ઉપસ્થિત મહાનુભાવોએ શાળાના કમ્પાઉન્ડમાં રૂા. ૪૦ લાખના ખર્ચે મંજુર થયેલ ૬ ઓરડાનું ખાતમુહુર્ત કર્યું હતું અને ધોરણ- ૩ થી ૮ ના કુલ ૧ થી ૩ ક્રમાંકે રહેલા તેજસ્વી તારલાઓને પ્રોત્સાહક ઇનામો આપી સન્માન પણ કરાયું હતું. કારેલી શાળા ખાતે જ મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીએ શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક યોજી હતી અને વિવિધ બાબતો વિશે ઝીણવટથી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને સમિતિએ શાળા-શિક્ષક અને બાળક વચ્ચે કડીરૂપ કામગીરી કરવા જણાવ્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રીએ ગામના વાલીઓ સાથે બેઠક યોજી શાળામાં શિક્ષણ સુધારાઓ અંગે મંતવ્યો મેળવ્યા હતા. બાળકની તંદુરસ્તી અંગે શાળા આરોગ્ય તપાસણી સમયે વાલીઓએ સજાગ થઇ બાળકની તંદુરસ્તી પ્રત્યે સભાનતા કેળવવા જણાવ્યું હતું. અંતમાં મંત્રીશ્રીએ શાળાના શિક્ષકગણ સાથે બેઠક યોજીને શાળામાં બાળકોની નિયમિતતા, વાલીઓ સાથે સીધો સંપર્ક, સ્વચ્છતા, સો ટકા નામાંકન, પરિણામલક્ષી શિક્ષણ, કામગીરી તથા વિશે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને શિક્ષકો દ્વારા વધુ સારૂ પરિણામ લાવવાની દિશામાં કામ કરવા અંગેના સુચનો મેળવ્યા હતા અને શિક્ષણનો હેતુ સિધ્ધ કરવા મંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.

આ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ધો- ૧ માં કુલ- ૨૧ બાળકોને પ્રવેશ અપાયો હતો. તેમાં ૧૨ કુમાર અને ૯ કન્યા, જ્યારે આંગણવાડીમાં કુલ- ૮ બાળકોને પ્રવેશ અપાયો હતો, જેમાં ૪ કન્યા અને ૪ કુમારોને મહાનુભાવોના હસ્તે પ્રવેશ અપાયો હતો. આ શાળાની ધો- ૭ ની વિદ્યાર્થીની ટ્વીંકલબેન તડવી, ધોરણ- ૮ ની વિદ્યાર્થીની જ્યોતિબેન તડવી અને ધો- ૮ ના કૌશિકભાઇ તડવીએ અનુક્રમે બેટી બચાવો – બેટી પઢાવો”, “જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા” અને “જળ એ જ જીવન” વિષય પર સુંદર વક્તવ્ય રજુ કર્યું હતું.

        કાર્યક્રમનાં અંતમાં મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી સહિતના મહાનુભાવોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે લાયઝન અધિકારીશ્રી બાબુભાઇ બારીયા, શાળાના આચાર્યશ્રી વાસુદેવભાઇ તડવી, શાળા વ્યવસ્થાપન સમિતિના હોદ્દેદારો-વાલીઓ, ગામ અગ્રણીઓ, શાળાનો સ્ટાફગણ અને વિદ્યાર્થી ભાઇ-બહેનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

 

Related posts

ચોમાસુ પાકને બચાવી લેવા આજથી નર્મદા જળ અપાશે

aapnugujarat

બાવલું પોલીસ ના મહિલા પી.એસ.આઈ સોનારાબેન ની સહારનીય કામગીરી

editor

આણંદમાં ડેરી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર રાષ્‍ટ્રીય, પ્રાદેશિક અને ગ્રામિણ દૂધ ઉત્‍પાદક મહિલાઓને મુખ્‍યમંત્રીશ્રી-કેન્‍દ્રિય કૃષિ મંત્રીશ્રીના હસ્‍તે એન.ડી.ડી.બી. ડેરી એકસલન્‍સ એવોર્ડ એનાયત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1