પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડમાં આજે સવારે આતંકીઓ સાથે થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. આ અથડામણમાં એક જવાન પણ શહીદ થયો હતો અને ત્રણ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અથડામણમાં એક નાગરિકનું પણ મોત થયું છે.નાગાલેન્ડના મૌન વિસ્તારમાં આજે ટેરિટોરિયલ આર્મી અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં આર્મી એલર્ટ પર હોવાથી આતંકીઓને ઠાર મારવામાં સફળતા મળી હતી. જોકે ઓપરેશનમાં આર્મીના એક અધિકારી પણ શહીદ થયા હતા અને ત્રણ જવાનો જખમી થયા હતા. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં ઇલાજ માટે દાખલ કરવામાં આવ્યા છે. એક નાગરિકનું પણ મોત થયું હતું.
છેલ્લા કેટલાક સમયથી પૂર્વોત્તર ભારતમાં કાશ્મીરની જેમ આતંકી પ્રવૃત્તિઓ વધી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વોત્તર ભારતથી લઇને કાશ્મીર સુધી છેલ્લા કેટલાક સમયથી સરહદ પર આતંકીઓની જબરદસ્ત હિલચાલ ચાલી રહી છે અને આ કારણસર ભારતીય સેના પણ એલર્ટ પર છે. બીજી બાજુ ભારત-પાક. સરહદે સતત વધી રહેલી આતંકી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને સીઆઇએસએફએ ઊરી પાવર પ્લાન્ટને લઇને હાઇ એલર્ટ જારી કર્યું છે. આ એલર્ટમાં ઊરી સ્થિત એનએચપીસીના બંને પાવર પ્લાન્ટને મૂકવામાં આવ્યા છે. ભારત સરકારના ઊરી-૧ અને ઊરી-ર હાઇડલ પાવર પ્રોજેકટને ધ્યાનમાં રાખીને આ એલર્ટ ગંભીરતાથી લેવામાં આવ્યું છે.