ભારતની માલિકીના ગિલગિટ-બાલ્ટિસ્તાન પર વર્ષોથી અનધિકૃત રીતે કબજો જમાવ્યા બાદ પાકિસ્તાન હવે આ જમીનને પોતાના વ્યાવસાયિક લાભ માટે ચીનને વેચી રહ્યું છે. જેને લઈને પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર સહિત ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકોમાં પાકિસ્તાન પ્રત્યે રોષ ફાટી નીકળ્યો છે. પાકિસ્તાન સરકાર અહીંના સ્થાનિક લોકોની જમીન પર કબજો જમાવી રહી છે અને તેને ચીનને વેચી રહી છે.સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાની સૈનિકો અહીંના સ્થાનિક લોકો સાથે અમાનુષી વ્યવહાર કરી રહ્યાં છે. જે લોકો પોતાની જમીન પાકિસ્તાન સરકારને આપવાનો ઈનકાર કરે છે તેમની હત્યા કરી દેવામાં આવે છે અથવા તેને સજા ફટકારવામાં આવે છે.પાકિસ્તાની સેના દ્વારા કબજો કરવામાં આવેલી જમીન ચીની કંપની અથવા ચીની સેનાને આપી દેવામાં આવે છે. વધુમાં આ વિસ્તારમાં ચીની અને પાકિસ્તાની સેના ભવિષ્યમાં સેના પણ તહેનાત કરે તેવી શક્યતા છે. આઝાદી બાદથી જ ગિલગિટ-બાલ્ટિસ્તાન પર પાકિસ્તાને કબજો જમાવી લીધો છે. વિતેલા વર્ષોમાં પાકિસ્તાને અહીંની પ્રજા સાથે અનેક પ્રકારે બળજબરી કરી લોકોનો રોષ ડામવા પ્રયાસ કર્યો છે.સૂત્રોનું માનીએ તો આ વિસ્તારમાં કશ્મીરીઓની જનસંખ્યા મોટા પ્રમાણમાં હતી જે હવે સાવ ઓછી થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ૧૫ ઓગસ્ટના દિવસે પીએમ મોદીએ તેમના ભાષણમાં પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાન પર પાકિસ્તાનના અનધિકૃત કબજા અંગે મુદ્દો ઉઠાવ્યો હતો, જેને લઈને પાકિસ્તાનના પેટમાં તેલ પણ રેડાયું હતું.