મધ્ય પ્રદેશના મંદસૌરમાં મંગળવારે ખેડૂત આંદોલન દરમિયાન પાંચ લોકોના મોત બાદ ખુબ તણાવનો માહોલ છે. આજે સવારે બરખેડાપંત ગામમાં ખેડૂતોએ ફાયરિંગમાં માર્યા ગયેલા યુવકોના મૃતદેહો સાથે ચક્કાજામ કર્યો. ભારે તણાવના પગલે પ્રશાસને વિસ્તારમાં કરફ્યુ લગાવી દીધો છે. આ ઉપરાંત ખેડૂતોની મંદસૌરના ડીએમ સાથે ધક્કામૂકીના પણ અહેવાલો છે. ખેડૂતોના ગુસ્સાને જોતા અધિકારીઓએ ત્યાંથી ભાગવું પડ્યું હતું. ખેડૂતોએ કલેક્ટરના કપડા સુદ્ધા ફાડી નાખ્યા. આ દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના પણ મંદસૌર જવાના અહેવાલો છે.
જો કે મળતી માહિતી મુજબ રાહુલ ગાંધીને પ્રશાસને ત્યાં જવાની પરવાનગી આપી નથી. કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકારને ઘેરતા રાજ્ય ભરમાં બંધનું આહ્વાન પણ કર્યું છે. આ બાજુ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસનું સુનિયોજિત કાવતરું ગણાવ્યું છે.મધ્ય પ્રદેશમાં એક જૂનથી શરૂ ખેડૂત આંદોલન અટકવાનું નામ લેતું નથી. દિવસેને દિવસે આ આંદોલન હિંસક થઈ રહ્યું છે. મંગળવારે દેખાવકારોએ મંદસૌરમાં ૨૮ વાહનો, દુકાનો અને ડેરીને આગ લગાડી દીધી હતી. પોલીસ અને સીઆરપીએફ ઉપર દેખાવકારોએ પથ્થરમારો કરતાં સ્થિતિ વધારે બેકાબૂ બની હતી. હાલાત ઉપર કાબૂ મેળવવા માટે સીઆરપીએફ દ્વારા કરાયેલા કથિત ફાયરિંગમાં છ ખેડૂતોનાં મોત થયા હતા જ્યારે કેટલાકને ઈજા થઈ હતી. ફાયરિંગ અને આગજનીની ઘટના બાદ મંદસૌરમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો. મંદસૌર, રતલામ અને ઉજ્જૈનમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ રાષ્ટ્રીય ખેડૂત મજૂર સંઘ દ્વારા બુધવારે પ્રદેશવ્યાપી બંધનું એલાન જાહેર કરાયું છે.ફાયરિંગમાં કનૈયાલાલ પાટીદાર, બંટી પાટીદાર, ચૈનારામ પાટીદાર, અભિષેક પાટીદાર, સત્યનારાયણ પાટીદાર અને એક અન્ય ખેડૂતના મોત થયા છે. ખેડૂતો અને આંદોલનકારીઓ ઉપર ગોળી કોણે ચલાવી તે મુદ્દે પણ વિવાદ ચાલી રહ્યો છે. કેટલાક જણાવે છે કે, આંદોલનકારીઓ ઉપર પોલીસ અને સીઆરપીએફે જ ફાયરિંગ કર્યું હતું. જો કે એમપીના ગૃહમંત્રી ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું કે, ખેડૂતોમાં અંદરોઅંદર વિખવાદ થતાં ફાયરિંગ થયું હતું. પોલીસ કે સીઆરપીએફ દ્વારા કોઈ ફાયરિંગ કરાયું નથી.
પાછલી પોસ્ટ