ધોરણ-૧૧ અને ૧૨ સાયન્સની પરીક્ષામાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિશેષ પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. આ ખાસ પરીક્ષા તા.૧૮ જૂનથી તા.૩૦ જૂન દરમ્યાન ગાંધીનગર કેન્દ્ર ખાતે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેનો વિગતવાર કાર્યક્રમ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ધોરણ-૧૧ અને ૧૨ સાયન્સના ગેરહાજર વિદ્યાર્થીઓ માટે લેવાનારી આ ખાસ પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટે વિદ્યાર્થીઓએ તા.૧૩ જૂન સુધીમાં બોર્ડ સમક્ષ અરજી કરવાની રહેશે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રાજય સરકાર દ્વારા હવે ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ સાયન્સમાં સેમેસ્ટર પધ્ધતિ રદ કરી દેવામાં આવી છે. જેથી ધોરણ-૧૧ અને ૧૨ સાયન્સમાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓને પાસ થવાની વધુ એક તક મળી રહે તેવા ઉમદા આશય સાથે બોર્ડ દ્વારા આ ખાસ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓકટોબર-૨૦૧૧ થી માર્ચ-૨૦૧૬ સુધીમાં સેમેસ્ટર-૧,૨,૩ અને ૪ પૈકી કોઇપણ સેમેસ્ટરમાં કોઇપણ વિષયમાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓ આ ખાસ પરીક્ષામાં ઉપસ્થિત રહી પરીક્ષા આપી શકશે. બોર્ડ દ્વારા ગેરહાજર વિદ્યાર્થીઓ માટે તા.૧૮થી ૩૦ જૂન દરમ્યાન ગાંધીનગર કેન્દ્ર ખાતે આ ખાસ પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. જો કે, બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જ આ ખાસ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરાશે. આ પરીક્ષામાં બેસવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ શાળાનો પરિપત્ર તથા અરજી પત્રકનો નમૂનો કે જે બોર્ડની વેબસાઇટ પર મૂકાયો છે તેમાં જરૂરી વિગતો ભરી આચાર્યના સહી સિકકા તથા પરીક્ષા ફીનો સચિવના નામના ડ્રાફ્ટ સાથે બોર્ડની કચેરી સમક્ષ તા.૧૩ જૂન સુધીમાં અરજી જમા કરાવવાની રહેશે.