ઇરાનની સંસદ સહિત દેશના ત્રણ મોટા શહેરો ઉપર હુમલા કરવામાં આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. આજે ત્રણ આત્મઘાતી હુમલાખોરો સંસદ સંકુલમાં ઘુસી ગયા હતા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. મળેલી માહિતી મુજબ સંસદ ઉપર કરવામાં આવેલા હુમલામાં ૧૨ લોકોના મોત થયા છે. ઇરાની સંસદની સાથે દક્ષિણ તહેરાનના ઇમામ ખમેની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. અહીં એક આત્મઘાતી હુમલાખોરે પોતાને ફૂંકી માર્યો હતો. પોતાને ફુંકી મારનાર હુમલાખોર એક મહિલા હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ખમેની ઉપર હુમલા કરનાર ત્રણ લોકો હતા. તેમાં એક આત્મઘાતી બોંબરે પોતાને ફુંકી મારી હતી જ્યારે અન્ય બે હુમલાખોરોને જીવતા ઝડપી લેવામાં આવ્યા હતા. જો કે, આમાથી એકે મોડેથી સાઈનાઇટ ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સેન્ટ્રલ તહેરાનના ઇમામ ખમેની મેટ્રો સ્ટેશન પર બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. બ્લાસ્ટના કારણે ખળભળાટ મચી ગયો હતો. હુમલા છતાં ઇરાનની સંસદમાં સામાન્યરીતે કામગીરી થઇ હતી. બીજી બાજુ બચાવ અને રાહત કામગીરી પણ હાથ ધરાઈ હતી. ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે. ઇરાનમાં પ્રથમ વખત આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો હતો. ઇરાનની સંસદ અને ખમેની પર કરવામાં આવેલા હુમલાની જવાબદારી આઈએસ દ્વારા સ્વીકારવામાં આવી છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ઇરાનની સંસદ પર કરાયેલા હુમલામાં તેમના લોકોનો હાથ હતો. જો કે, હજુ સુધી દાવાને લઇને નક્કર માહિતી મળી શકી નથી. ઇરાની સંસદનું સત્ર ચાલી રહ્યું હતું ત્યારે આજે સવારે હુમલો કરવામાં આવ્યો હતો. ઇરાનની અંદર આ પ્રથમ આતંકવાદી હુમલો છે. બીજી બાજુ ઇરાનના સંસદના સ્પીકર અલી લરીજાનીએ ગોળીબારની ઘટનાને નજીવી ગણાવી હતી અને કહ્યું હતુ ંકે, સુરક્ષા દળો આ પ્રકારના હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે સક્ષમ છે. ઇરાનની સંસદની કામગીરી યથાવતરીતે જારી રાખવામાં આવી હતી. સુરક્ષાના કારણોસર સંસદના હોલના દરવાજા બંધ રાખવામાં આવ્યા હતા. સત્રનું નેતૃત્વ કરી રહેલા લરીજાનીએ કહ્યું હતું કે, ત્રાસવાદીઓ ઇરાનમાં મુશ્કેલીઓ ઉભી કરવાના પ્રયાસ કરી રહ્યા છે.