નાણાં પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું છે કે સરકાર એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરવા અંગે વિચારણા કરી રહી છે ત્યારે બજારમાં માત્ર ૧૪ ટકા ભાગીદારી ધરાવતી એર ઈન્ડિયાને ઝડપથી વેચી દેવામાં આવે તે વાત સરકાર માટે સારી ગણાશે.જેટલીએ વધુમાં જણાવ્યું હતું કે ખરેખર તો ૧૫ વર્ષ પહેલાં જ એર ઈન્ડિયાએ સેવા બંધ કરવી જોઈતી હતી. નીતિ આયોગનાં દેવાંમાં ડૂબેલી આ એર લાઈન્સના ખાનગીકરણની વિચારણા સાથે તેઓ સહમત છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે સરકાર આ બાબતે નિર્ણય કરશે. હાલ તે અંગે વિચારણા ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર ભારતમાં સફળતાની એક નવી કહાની બનવા જઈ રહ્યુ છે ત્યારે અનેક ખાનગી ક્ષેત્રની કંપનીઓ કુશળતાથી એર લાઈન્સ ચલાવી રહી છે. સાથોસાથ દેશના એરપોર્ટ વિશ્વના મોટભાગના એરપોર્ટ કરતા સારા છે. દેશમાં પ્રાદેશિક સંપર્ક માટે પણ અનેક હવાઈ મથક છે.ત્યારે શું એ વાત ન્યાયોચિત ગણાશે કે સરકાર બજારમાં માત્ર ૧૪ ટકા ભાગીદારી રાખે અને આ કામમાં કરદાતાઓના ૫૦થી ૬૦ હજાર કરોડ રોકવા પડે. હાલ એર ઈન્ડિયા પર ૫૦,૦૦૦ કરોડથી વધુ દેવું છે. તેનુ મુખ્ય કારણ તેના જાળવણી ખર્ચ અને ભાડાપટ્ટા છે. ૨૦૧૫-૧૬ને બાદ કરતાં એર ઈન્ડિયાએ કયારેય નફો કર્યો નથી. તેથી સરકારે શક્ય તેટલી ઝ઼ડપથી એર ઈન્ડિયાને વેચી નાખવી સારી વાત ગણાશે. જોકે એર ઈન્ડિયાની સેવા ૧૫ વર્ષ પહેલાં જ બંધ કરી દેવાની જરૂર હતી.