નાંદોદ તાલુકાના ઓરી ગામના ઉસ્મિતાબેન રાજુભાઇ વસાવાને ગત ૨૦૧૬—૧૭ ના વર્ષમાં જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા અનુસુચિત જનજાતિની વિધવા/ત્યક્તા મહિલાઓને બકરા એકમની સહાય યોજના અંતર્ગત રૂા. ૧.૨૦ લાખની બકરા એકમની સહાય મળતા મજૂરી કામમાંથી ઉસ્મિતાબેનને મુક્તિ મળવાની સાથોસાથ તેમના કુટુંબનું ગુજરાન ખુબ જ સારી રીતે ચલાવી રહ્યાં છે. ઉસ્મિતાબેન વસાવા જણાવે છે કે, સરકારની બકરા એકમ યોજના અંતર્ગત આ સહાય મળી તે પહેલા પોતે મજૂરી કામ કરીને તેમનું પોતાનુ અને તેના બાળકોનું ગુજરાન ચલાવવાની સાથોસાથ બાળકોના ભણવાનો ખર્ચ પણ ઉપાડતા હતા અને તેને લીધે તેઓ ખુબ જ આર્થિક મુશ્કેલીમાં મુકાઇ જતા હતા. પરિણામે તેમને જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે પણ આર્થિક સંકડામણ અને મુશ્કેલીઓનો મક્કમતાથી સામનો કરવો પડતો હતો.
ઉસ્મિતાબેનના જણાવ્યા મુજબ અનુસુચિત જનજાતિની વિધવા / ત્યક્તા મહિલાઓને બકરા એકમ માટે મળતી સરકારી સહાયની જાણકારી પ્રાપ્ત થયાની સાથે જ તેઓએ રાજપીપલાના પશુ દવાખાનામાં આ સહાય મેળવવા માટે અરજી કરી હતી. તેમાં ૪૦ બકરી અને ૪ બકરા સહિત કુલ- ૪૪ બકરાનું યુનિટ મળ્યું હતું. ૪૦ બકરી વર્ષમાં ૩૦-૩૫ બચ્ચા આપે છે. જેનો તેઓ કાળજીપૂર્વક ઉછેર-મોટા કરીને રૂા. ૨૫૦૦ થી ૩૦૦૦ ની કિંમતમાં બકરીના બચ્ચાનું વેંચાણ કરે છે અને આ રીતે વર્ષમાં ૨૫-૩૦ બકરા વેંચીને તેઓ વાર્ષિક રૂા. ૩૦-૪૦ હજારની આવક મેળવતા થયા છે.
ઉસ્મિતાબેન વધુમાં જણાવે છે કે, બકરીના બચ્ચાના વેંચાણથી તેમને મળતી આવક થકી ખુબ જ મોટો આર્થિક ફાયદો થવાની સાથે તેમનું જીવન નિર્વાહ પણ સરળ બન્યું છે. જીવન નિર્વાહ માટે જરૂરી ચીજવસ્તુઓની ખરીદી માટે હવે ખર્ચની રકમ મળી રહે છે તેમજ મજૂરી કામ માટે પણ હવે જવું પડતું નથી અને તેમના બાળકોના સારા અભ્યાસની સાથોસાથ કુટુંબનુ જીવન નિર્વાહ પણ ખુબ જ સુવ્યવસ્થિત ચાલી રહ્યું છે, જે સરકારશ્રીની ઉક્ત સહાય યોજનાને આભારી છે.