સાઉદી અરબ, ઇજિપ્ત, બેહરિન, યમન, લીબિયા, યુએઈ અને માલદ્વીવે કતાર સાથેના પોતાના રાજદ્વારી સંબંધો તોડી દીધા છે. આ ૭ દેશોએ કતાર પર કથિત ઇસ્લામિક સ્ટેટ અને અલ-કાયદાનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે. કતારે આ તમામ આરોપોનો ઈન્કાર કર્યો છે. કતારમાં ૬ લાખથી વધુ ભારતીય રહે છે જે કતારની કુલ વસ્તીના ૨૫થી ૩૦% છે જેમાં ૮થી ૧૦ હજાર ગુજરાતીઓનો સમાવેશ થાય છે. કતારમાં ભારતીય મૂળના ગુજરાતીઓએ ભારતની વિદેશ નીતિ પર વિશ્વાસ મૂકતા કહ્યું કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી અમને કંઈ નુકસાન નહીં થાય તે બાબતે અમે નિશ્ચિંત છીએ. સોમવારે જ્યારે પ્રતિબંધના સમાચાર આવ્યા તેની સાથે એવી વાત પણ આવી કે કોમોડિટી આઇટમ્સની નહીં મળે, તેના કારણે લોકોએ સુપર માર્કેટ્સમાં વસ્તુઓનો સંગ્રહ કરવા પડાપડી કરી જેના કારણે સ્ટોક ખૂટી પડવો સ્વાભાવિક હતો.પરંતુ કતાર સરકારે યાદી સાથેની ગાઇડલાઈન જાહેર કરીને લોકોને જાગૃત કર્યા છે કે ગભરાવવાની જરૂર નથી, રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ પૂરતા પ્રમાણમાં દેશ પાસે છે. ઈન્ડિયન કલ્ચરલ સેન્ટરે પણ એડવાઇઝરી જાહેર કરીને આશ્વાસન આપ્યું છે કે ભારતીય સમુદાયને ગભરાવવાની જરૂર નથી અને પરિસ્થિતિ સામાન્ય છે.અમને મોદી સરકારની વિદેશી નીતિ પર પૂરેપૂરો વિશ્વાસ છે, જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી કતારમાં વસતા દરેક ભારતીય અને ગુજરાતીઓ પર ઉની આંચ નહીં આવવા દે. એમિરેટ્સ અને એતીહાદ એરલાઈન્સે કતારની ફ્લાઇટ્સ રદ કરતા ઈદની રજાઓ પર ભારત આવનારા લોકોની થોડી મુશ્કેલી ઊભી થશે તેવું વિમેશ દોશીનું માનવું છે.ભારતીયો દેશ આવવા માટે એતીહાદ, એમિરેટ્સ, જેટ એરવેઝમાં બુકિંગ કરવવાનું પસંદ કરતા હોય છે. કતાર એરવેઝ પ્રમાણમાં મોંઘી છે કારણ કે તેની ગણના ફાઇવસ્ટાર એલાઈન્સમાં જાય છે જેના કારણે લોકો તેમાં બુકિંગ કરવાનું ટાળતા હોય છે.ડો. જાનીએ જણાવ્યું કે, હવે જ્યારે બે એરલાઈન્સે પોતાની ફ્લાઇટ્સ કેન્સલ કરી દીધી છે ત્યારે જેમણે એ એરલાઈન્સમાં બુકિંગ કરાવ્યું હતું તેમણે જેટ કે કતાર એરવેઝમાં ઊંચા ભાવે બુકિંગ કરાવવું પડશે. શક્ય છે કે કોઈને જોઈતી તારીખે ટિકિટ ન પણ મળે. અન્ય એક અગ્રણી ગુજરાતીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, કતારમાં અમે ખૂબ જ સુરક્ષિત અનુભવી રહ્યા છીએ. દેશ પર પ્રતિબંધ લદાયો હોવા છતાંય અહીં સ્થિતિ સામાન્ય છે. સોમવારે સમાચાર આવતા સ્વાભાવિક રીતે ગુજરાતમાં વસતા સ્વજનોને ચિંતા ચોક્કસ થઈ હતી કે કતારમાં શું સ્થિતિ છે? અહીં પણ જીવન જરૂરિયાતની વસ્તુઓનો સ્ટોક કરવા ભારતીયોઓએ પડાપડી કરી હતી પરંતુ સરકારે એડવાઇઝરી જાહેર કરીને આશ્વાસન આપતા સ્થિતિ થાળે પડતી જાય છે. કતાર એક શાંતિપ્રિય દેશ છે અને સામાન્ય ઝઘડાઓ પણ અહીં થતા નથી તો આતંકવાદની તો વાત જ શું કરવી!વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કરી દીધું હતું કે, કતાર-સાઉદી વચ્ચેનો આ આંતરિક મામલો છે.