ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ ચાર એરલાઈન્સના ૩૪ પાઈલોટ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાવી છે. ડીજીસીએએ જેટ, ઈન્ડિગો, સ્પાઈસજેટ અને ગોએરના પાઈલોટ્સ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોતાના ટોચના અધિકારીઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ કેસ કર્યો હતો.
ટોચના અધિકારીઓની ફરિયાદને આધારે મંગળવારે સવારે આ તમામ પાઈલોટ્સને ડીજીસીએ કચેરીએ બોલાવ્યા હતા અને ત્યારબાદ વધુ પૂછપરછ કરવા પોલીસ લોધી રોડ સ્ટેશન લઈ ગઈ હતી. જો કે પોલીસે સ્પષ્ટતા કરી હતી કે પાઈલોટ્સની ધરપકડ કે અટકાયત કરાઈ નથી. આ મુદ્દે તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.એક સીનિયર પાઈલોટે જણાવ્યું હતું કે,મંગળવારે સવારે અમારા સહકર્મીઓને ડીજીસીએની ઓફિસ બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને લોધી રોડ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. અમે વકીલ સાથે વાતચીત કરી રહ્યા છીએ અને તેના વિરોધમાં પોલીસ જવાની યોજના છે.
ડીજીસીએ ચીફ બીએસ ભુલ્લરે આ વિવાદ અંગે કહ્યું કે,અમારા અધિકારીઓ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ડીજીસીએએ ૩૪ પાઈલોટ્સ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. આ મુદ્દે હવે પોલીસ પગલાં લેશે. ઈન્ડિગોના પ્રવક્તા અજય જસરાએ જણાવ્યું કે,અમે પાઈલોટ પર લગાવાયેલા આક્ષેપોની તપાસ કરી રહ્યા છીએ અને ડીજીસીએને પૂરો સહયોગ આપશું. આંતરિક તપાસના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
દરમિયાન સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,સ્પાઈસજેટના કોઈપણ પાઈલોટે ડીજીસીએ અથવા તેના અધિકારી વિરુદ્ધ કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી કરી નથી. અમારા એક પાઈલોટે તેના કેટલાક મિત્રોનો વ્હોટ્સએપ પર કેટલાક મેસેજ ફોરવર્ડ કર્યા હતા. આ વિવાદ અંગે જેટ તેમજ ગોએરે કોઈ પણ ટિપ્પણી કરી નહતી.