રાજસ્થાનના જયપુર ખાતે એક કાર પર મીઠું ભરેલો ટ્રક પલટી ગયો. કારમાં બે પરિવારની ૩ મહિલાઓ સહિત પાંચ લોકો બેઠા હતાં. અકસ્માતમાં કારમાં બેઠેલા તમામ લોકોના મોત નિપજ્યાં છે.
મૃતકોમાં સામેલ કેશવ શર્મા અને રોશનીનાં આગામી ૧૯ નવેમ્બરના રોજ લગ્ન થવાના હતાં. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર આખી સપાટ બની ગઈ હતી. મીઠાની બોરીઓ કાર પર પડી હતી.
કારમાં સવાર કેશવ ઉર્ફે રાહુલ, રોશની, જ્યોતિ, નીતેશ અને સ્વીટીના મોત નિપજ્યાં છે.આ ઘટના જયપુરના ચૌમુ સર્કલની છે. સવારે ૪.૩૦ વાગ્યાની આસપાસ એક ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે બીજી બાજુથી પૃથ્વીરાજ રોડ તરફથી એક કાર આવી રહી હતી જેમાં પાંચ લોકો સવાર હતાં.
અચાનક જ ટ્રકનું બેલેન્સ ગયું અને તે કાર પર પલટી ગઈ હતી. કાર ખુબ જ ખરાબ રીતે પીચકાઈ ગઈ હતી. કાર પર ટ્રકમાં લાદેલી મીઠાની બોરીઓ પડતા સાવ સપાટ બની ગઈ હતી. આસપાસના લોકોએ આ ભયાનક અકસ્માતની જાણ પોલીસને કરી હતી. પોલીસના આવ્યાં બાદ ટ્રકને હટાવવાની શરૂઆત થઈ હતી.
ટ્રકમાંથી પડેલી મીઠાની બોરીઓ જ્યારે હટાવવાની શરૂઆત થઈ ત્યારે પોલીસ સ્તબ્ધ થઈ હતી. કારણ કે નીચે કાર દટાઈ હતી જેની હાલાત ખુબ જ ખરાબ હતી, એકદમ પીચકી ગઈ હતી. કારમાં પાંચ મૃતદેહો હતાં. મીઠાની અસરના કારણે મૃતદેહો ગળવા લાગ્યા હતાં. જે લોકોના મોત દબાઈને થયા હતાં તેમના કેટલાક ભાગ કપાઈને અલગ થયા હતાં.
અકસ્માતના ત્રણ કલાક બાદ સુધી મૃતદેહો મીઠાના ઢગલા નીચે દટાયેલા રહ્યાં હતાં. ત્યારબાદ રસ્તા પરથી મીઠુ ઉપાડવામાં પણ ખુબ મથામણ થઈ હતી. મીઠું, ટ્રેક્ટર, પાંચ લોકોના બોડી પાર્ટને ઝાડુઓથી અલગ કરીને લોકોએ ઉઠાવ્યાં હતાં.
અત્રે જણાવવાનું કે થોડા દિવસો પહેલા જ કેશવ શર્મા ઉર્ફે રાહુલ અને રોશની શર્માની સગાઈ થઈ હતી. કેશવ કાર ડ્રાઈવ કરી રહ્યો હતો. રોશની સહિત પાંચ લોકો ફરવા જઈ રહ્યાં હતાં. તે દરમિયાન આ અકસ્માત થયો. મૃતકોમાં કેશવ, રોશની ઉપરાંત તેની બહેન જ્યોતિ અને બે સંબંધીઓ સામેલ હતાં.