ધોરણ-૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર પધ્ધતિ બંધ થતા સેમેસ્ટર-૧,૨,૩ અને ૪માં કે તે પૈકી કોઈ વિષયમાં સંજોગોવશાત ગેરહાજર રહેલ ઉમેદવારોને પ્રવર્તમાન નિયમાનુસાર વધુ એક વર્ષ રાહ જોવી ન પડે તે માટે સેમેસ્ટર પધ્ધતિના પરીક્ષાના નિયમોમાં આવા વિદ્યાર્થીઓના હીતમાં છુટછાટ મૂકીને ૧ થી ૪ સેમેસ્ટરમાં કોઈપણ વિષયમાં ગેરહાજર ઉમેદવાર જે તે વિષયમાં પરીક્ષા આપી શકે તે હેતુથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધ્વારા ચાલુ મહિનામાં ખાસ પરીક્ષાનું આયોજન કરવાનો અતિ મહત્વનો નિર્ણય ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધ્વારા ચાલુ શિક્ષણ બોર્ડે કર્યો હોવાનું શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રાથમિક શિક્ષણ રાજય મંત્રી નાનુભાઈ વાનાણીએ જણાવ્યું છે. આજે શિક્ષણ વિભાગની સાપ્તાહિક સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓના લાંબાગાળા હિતમાં લેવાયેલા આ નિર્ણયનો અંદાજે ૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને લાભ મળશે. આ નિર્ણયને પરિણામે આવા વિદ્યાર્થીઓને તેઓની કારકિર્દિમાં ખુબ મદદ મળશે. ધો.૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર પધ્ધતિ બંધ થતા વર્ષ ૨૦૧૬-૧૭ થી ધો.૧૧માં સેમેસ્ટર પધ્ધતિ પ્રમાણે શિક્ષણ આપવામાં આવતું નથી. ધો.૧૧ની પરીક્ષાઓ શાળાઓ ધ્વારા લેવામાં આવે છે અને ધો.૧૨ની પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધ્વારા ધો.૧૨માં સમગ્ર વર્ષના અભ્યાસક્રમને ધ્યાનમાં લઈને લેવામાં આવશે. આ સંજોગોમાં સેમેસ્ટર પધ્ધતિ બંધ થતાં સેમેસ્ટર-૧,૨,૩ અને ૪માં સંજોગો વસાત ગેરહાજર રહેલ ઉમેદવારોને તેમના ભાવિ ઘડતરમાં કોઈ મુશ્કેલી ન પડે તે ધ્યાનમાં રાખીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.