ફરાર કારોબારી વિજય માલ્યાને જોઇને ચેરિટી ડિનરમાંથી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ધીમે રહીને નિકળી ગયા હતા. બેંકોથી ૯૦૦૦ કરોડ રૂપિયાની લોન લઇને ચુકવ્યા વગર ફરાર થઇ ગયેલા માલ્યા ભારત પાકિસ્તાન મેચ બાદ મંગળવારના દિવસે કેપ્ટન વિરાટ કોહલીની ફાઉન્ડેશન ચેરિટી ઇવેન્ટમાં પણ પહોંચ્યા હતા. અનિચ્છુક મહેમાનની એન્ટ્રીથી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. વિરાટ કોહલી અને બાકીના ટીમના ખેલાડીઓ તેમની સાથે વાતચીતથી બચતા રહ્યા હતા. વિરાટ કોહલીના ફાઉન્ડેશન દ્વારા આ ચેરિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં કેપ્ટન વિરાટ કોહલી સહિત અન્ય તમામ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિજય માલ્યા પણ એકાએક પહોંચી ગયા હતા. પહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડી તેમનાથી દૂર નજરે પડ્યા હતા. માલ્યા સાથે કોઇ વિવાદ ન થાય તે માટે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ધીમે રહીને નિકળી ગયા હતા. અત્રે નોંધનીય છે કે, વિજય માલ્યા અગાઉ ભારત અને પાકિસ્તાનની વનડે મેચ દરમિંયાન ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં માલ્યા ઇંગ્લેન્ડમાં છે. ભારત સરકાર યુકેની સરકાર સાથે વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે વાતચીત કરી રહી છે. વિજય માલ્યા આઈપીએલમાં રમનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના માલિક છે અને વિરાટ કોહલી તેના કેપ્ટન તરીકે છે. માલ્યાને જોઇને ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓ ચોંકી ગયા હતા. વિરાટ અથવા તો તેમની ફાઉન્ડેશને વિજય માલ્યાને બોલાવ્યા ન હતા.
આગળની પોસ્ટ