બહેરીન, ઇજિપ્ત, સાઉદી અરેબિયા સહિતના કેટલાક દેશોએ કતાર સાથે તમામરીતે છેડો ફાડી લીધા બાદ વર્ષ ૧૯૯૧ના ઇરાક સામેના યુદ્ધ બાદથી સૌથી જટિલ રાજદ્ધારી કટોકટી સર્જાઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની ઉંઘ હરામ થઇ ગઇ છે. કારણ કે કતારમાં ૬૫૦૦૦૦ ભારતીય નાગરિકો રહેલા છે. સાઉદી અરબ, બહેરીન, ઇજિપ્ત અને સંયુક્ત અરબ અમિરાતે કતારની સાથે તમામ પ્રકારના રાજદ્વારી સંબંધો તોડી લીધા બાદ રાજદ્ધારી કટોકટી સર્જાઇ ગઇ છે. આ તમામ દેશોએ કતાર પર આતંકવાદીઓને સમર્થન આપવાનો આક્ષેપ કર્યો છે. બેહરીને સોમવારે કતારની સાથે સંબંધો તોડી દેવાની જાહેરાત કરી હતી. ત્રાસવાદને પ્રોત્સાહન આપવા ઉપરાંત બેહરીને કતાર પર પોતાના આંતરિક મામલાઓમાં દરમિયાનગીરી કરવાનો આક્ષેપ પણ કર્યો છે.ચારથી વધુ દેશોએ કતારની સાથે માત્ર રાજદ્વારી અને રાજકીય સંબંધો તોડ્યા નથી બલ્કે હવાઈ અને દરિયાઈ સંપર્ક પણ તોડી લેવાની જાહેરાત કરી છે. બેહરીને કતારમાં રહેતા પોતાના તમામ નાગરિકોને ત્યાંથી પરત ફરવા માટે ૧૪ દિવસનો સમય આપ્યો છે. સાઉદી અરેબિયાએ પોતાના નિર્ણયની માહિતી આપતા કહ્યું છે કે, સાઉદીએ આતંકવાદ અને કટ્ટરવાદથી બચવા માટે આ પગલા લીધા છે. ઇજિપ્ત અને યુએઇએ પણ કતારની સાથે તમામ પ્રકારના સંબંધોને ખતમ કરી નાંખવાની જાહેરાત કરી છે. ઇજિપ્તે કહ્યું છે કે, કતાર ઉપર ત્રાસવાદી સંગઠનો પ્રભુત્વ ધરાવે છે. ત્રાસવાદી સંગઠનોને સમર્થન આપવામાં આવી રહ્યું છે. બેહરીને પોતાના ત્યાં રહેતા કતારના નાગરિકોને દેશ છોડીને જતા રહેવા માટે ૧૪ દિવસની મહેતલ આપી છે. રાજદ્વારીઓને ૪૮ કલાકમાં દેશ છોડવા સુચના અપાઇ છે.
આગળની પોસ્ટ