અમદાવાદ અને ગાંધીનગરમાં ૯ થી ૧૫ જૂન ૨૦૧૭ દરમિયાન અન્ડર ૧૯ શ્રેણીની ફૂટબોલ મેચ યોજવાની તડામાર તૈયારી ચાલી રહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દમણદીવ, દાદરાનગર હવેલી તથા આંદામાન નિકોબાર દ્વીપસમૂહની ટીમ વચ્ચે મેચ રમાવાની છે.
શાળા અને કલબમાંથી શ્રેષ્ઠ યુવા ખેલાડી પસંદ કરવાની પ્રક્રિયા ગયા મહિને મુંબઈમાં સંપન્ન થયા બાદ હવે મેચની શરૂઆત થવાની છે. જેનું નામ ‘પ્રાઇમ મિનિસ્ટર ફૂટબોલ ટુર્નામેન્ટ ઉર્જા ૨૦૧૭’ રહેશે. રાજયપાલ ઓ.પી.કોહલીની પ્રેરક હાજરી સાથે ૮ જૂનના રોજ ઉદ્ઘાટન સમારંભ યોજાશે.અમદાવાદમાં ચાંદખેડા ખાતે આવેલી ડીવાઇન ચાઈલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ૯ થી ૧૪ જૂન દરમિયાન છોકરાઓની મેચ સવારે સાડા છથી પાંચ વાગ્યા સુધી રમાશે, જયારે છોકરીઓની મેચ ગાંધીનગરના સ્પોર્ટસ ઓથોરીટી સ્ટેડિયમમાં યોજાશે.છ ટીમ અહીં રમે તેમાંથી શ્રેષ્ઠ પ્રતિભાની પસંદગી કરી તેને ઝોનલ મેચમાં રમવાની તક આપવામાં આવશે. ઝોનલ મેચ દિલ્હીમાં જુલાઇ દરમિયાન રમાશે.
ફિફાવર્લ્ડકપ અન્ડર ૧૭ ટુર્નામેન્ટ માટે શ્રેષ્ઠ પ્રતિભા પસંદ કરવા માટેની આ રાષ્ટ્રવ્યાપી સ્પર્ધા છે. આ રીતે તૈયાર થયેલી ટીમને ફીફા ઉપરાંત એશિયન ચેમ્પિયનશીપમાં રમવાની તક મળવાની છે.
ફૂટબોલપ્રેમી તરીકે એક કરોડ ૧૦ લાખ યુવાઓનો ઉમેરો કરવાનું વડાપ્રધાનનું વિઝન સાકાર કરવા માટે યોજાનાર “ઉર્જા ૨૦૧૭ની જવાબદારી સી.આઇ.એસ.એફ.ને સોંપવામાં આવી છે.
ફૂટબોલની યુવાપ્રતિભા શોધનું કામ આગળ ધપાવવા માટેની કામગીરીનું સંકલન અર્ધલશ્કરીદળને સોંપવામાં આવ્યું છે.આ પ્રસંગે ક્રિકેટર યુસુફ પઠાણ, ક્રિકેટર પાર્થિવ પટેલ, શૂટર લજ્જા ગોસ્વામી અને કબડ્ડીના અનેક ખ્યાતનામ ખેલાડીઓ ફૂટબોલના ખેલાડીઓને સમર્થન આપશે. આ સાથે ગુજરાતના ફૂટબોલના ખેલાડી ધર્મેશ પટેલ જે સંતોષ ટ્રોફીમાં રાજ્યની ટીમનું નેતૃત્વ કરે છે, તેઓ ઉર્જા ફેઝ-ટુના બ્રાન્ડ એમ્બેસેડર છે. આ ઉપરાંત ફિલ્મ જગતની હસ્તીઓ રણબીર કપૂર, ફરહાન અખતર, અભિષેક બચ્ચન, નવાઝુદ્દીન સિદ્દ્કી, ગોવિંદા, અનુમલિક જેવા કલાકારો પણ ઉર્જાકપમાં ભાગ લેશે. આ તમામ ફિલ્મી હસ્તીઓએ ગત મહિને મુંબઈમાં યોજાયેલા ઉર્જા ફેઝ-૧ મેચમાં ભાગ લીધો હતો. ૧૫ જૂનના રોજ ગાંધીનગર ખાતે સ્પોર્ટસ ઓથોરિટી સ્ટેડીયમમાં યોજાનારા ગાલા સમાપન સમારોહમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી મુખ્ય મહેમાન બનશે. ક્રિકેટર પાર્થિવ પટેલને આ પ્રસંગે સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત ક્રિકેટર યુસુફ પઠાણ અને લજ્જા ગોસ્વામી ૮મી જૂનના રોજ ગાંધીનગરના સ્ટેડીયમમાં ઓપનિંગ સેરેમનીમાં પોતાનું કૌવત બતાવશે. તેમજ બ્રાન્ડ એમ્બેસેડર ધર્મેશ પટેલ ઉદ્દઘાટન અને સમાપન બંને સમારંભમાં હાજરી આપશે.