મહારાષ્ટ્રમાં લોન-માફીની માગણી માટે હડતાળ પર ઉતરેલા ખેડૂતોનાં આંદોલનનો આજે પાંચમો દિવસ છે. આજે પણ રાજ્યમાં ઘણે ઠેકાણે કિસાનોએ આંદોલન ચાલુ રાખ્યું હતું અને જબરદસ્તીથી દુકાનો બંધ કરાવી હતી.ખેડૂતોએ મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યું છે, જેને કારણે રાજ્યમાં અનેક ઠેકાણે હિંસાની ઘટનાઓ બની હતી.નાશિક જિલ્લામાં તમામ ૧૫ એગ્રિકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટીઝ બંધ રાખવામાં આવી છે.મહારાષ્ટ્રમાં ફળ અને શાકભાજીના ઉત્પાદનનો નાશિક જિલ્લો મોટા કેન્દ્રોમાંનો એક છે, તેમજ દેશમાં કાંદાનો સૌથી મોટો ઉત્પાદક છે.
હડતાળ ચલાવી રહેલા કિસાન ક્રાંતિ મોરચાના સિનિયર એગ્રિકલ્ચર એક્સપર્ટ ડો. બુધાજી મુલીકે કહ્યું છે કે રાજ્ય સરકાર ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે અને જ્યાં સુધી અમારી તમામ માગણીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે હડતાળ ચાલુ રાખીશું.
નાશિકમાં, પોલીસે કિસાન ક્રાંતિ મોરચાના ૫૦ કાર્યકર્તાઓને અટકમાં લીધા છે. આ કાર્યકર્તાઓ ફેરિયાઓને એમનો ધંધો તેમજ દુકાનદારોને એમની દુકાનો બંધ રાખવાનું જણાવતા હતા.રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને પિંપળગાંવ એપીએમસીના ચેરમેન દિલીપ બંકરે કહ્યું છે કે નાશિક જિલ્લામાં આજે તમામ ૧૫ એપીએમસી બંધ રાખવામાં આવી છે. કાંદાની કોઈ હરાજી કરવામાં આવી નથી.ચાંદવડ તાલુકામાં દુગાંવમાં કિસાનોએ રસ્તા પર દૂધ ઢોળી નાખ્યું હતું તથા કાંદા ફેંકી દીધા હતા.મહારાષ્ટ્રમાં ખેડૂતો લોન માફી તથા વીજળીના દર ઓછા કરવા સહિતની અનેક માગણીઓના ટેકામાં ગઈ ૧ જૂનથી સરકાર સામે જંગે ચડ્યા છે.નાશિક તથા એહમદનગર જિલ્લાઓ એમના આંદોલનના કેન્દ્રસમા રહ્યા છે.હડતાળીયા કિસાનોને શિવસેનાનો ટેકો મળ્યો છે.ઉસ્માનાબાદ જિલ્લામાં હડતાળીયા ખેડૂત કાર્યકર્તાઓએ પાંચ એસ.ટી. બસો પર પથ્થરમારો કરતાં બસનાં કાચ ફૂટી ગયા હતા.
ત્રણ સ્થળે હડતાળીયાઓએ એસ.ટી. બસોની તોડફોડ કરી હતી.દરમિયાન, ખેડૂતોએ ઘોષિત કરેલા ‘મહારાષ્ટ્ર બંધે’ આજે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યમાં અનેક ઠેકાણે હડતાળીયા ખેડૂતોએ રસ્તા રોકો કર્યું હતું અને રસ્તાઓ પર દૂધ ઢોળ્યું હતું અને શાકભાજી લઈ જતા વાહનોને અટકાવી તેમાંના શાકભાજીને રસ્તા પર ફેંકી દીધા હતા.નાગપુર જિલ્લામાં ખેડૂતોએ દૂધની ટેન્કરોને અટકાવીને એમાંનું દૂધ રસ્તા પર ઢોળી નાખ્યું હતું.નાશિક જિલ્લાના દેવરગાંવ, વડાંગળી, મ્હાળસાકોરે ગામોમાં ખેડૂતોએ દેવેન્દ્ર ફડણવીસ સરકારની પ્રતિકાત્મક અંતિમ યાત્રા કાઢી હતી.‘મહારાષ્ટ્ર બંધ’ દરમિયાન રાજ્યમાં મોટા શહેરોમાં રોજિંદો વ્યવહાર યથાવત્ રહ્યો છે, પણ નાના શહેરોમાં તેમજ ગ્રામીણ વિસ્તારોમાં બંધની અસર જોવા મળી હતી.ખેડૂતોના આંદોલનને કારણે હાઈવે પર વાહનવ્યવહારને મોટો ફટકો પડ્યો છે. રસ્તારોકો આંદોલનને કારણે વાહનચાલકો મુસીબતમાં મૂકાઈ ગયા છે.શાકભાજીની અછત વર્તાવા માંડી હોવાથી મુંબઈ મહાનગર સહિત અનેક શહેરોમાં શાકભાજીના ભાવ લગભગ ડબલ થઈ ગયા છે.
આગળની પોસ્ટ