અમેરિકાની એમ્બેસેડરે ભારતને ટોણો માર્યો છે કે પ્રદુષણ મામલે અમારે ભારતની સલાહ લેવાની જરૂર નથી. અમેરિકાને ખબર છે તેણે શું કરવુ.સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની એમ્બેસેડર નિક્કી હેલેએ પેરિસ સમજૂતીમાંથી અમેરિકાએ નામ પરત લેવાના ડોનાલ્ડ ટ્રમ્પના વિવાદિત નિર્ણયને સમર્થન આપ્યું છે.
આ વિશે નિક્કીએ વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, પેરિસ જળવાયુ સમજૂતી વિશે અમેરિકાએ શું કરવું જોઈએ તે ભારત, ચીન અને ફ્રાન્સને પૂછવાની જરૂર નથી.ચીન પછી બીજા ક્રમનો સૌથી વધારે પ્રદૂષણ ઉત્પન્ન કરતા અમેરિકાએ ગયા સપ્તાહમાં પેરિસ સમજૂતીમાંથી તેનું નામ પાછું ખેંચી લીધું છે.હેલેએ કહ્યું કે, ૨૦૧૫ના પેરિસ સમજૂતી અંતર્ગત ભારતને ચીન પાસેથી અબજો ડોલર મળશે જે અમેરિકાની સરખામણીએ વધારે છે. ટ્રમ્પના આ નિર્ણયથી હવે અમેરિકા અન્ય દેશ સીરિયા અને નિકારાગુઆની સાથે આવી ગયું છે.આ બંને દેશોએ પણ પેરિસ સમજૂતીમાં કરાર કર્યા નહતા. જ્યારે દુનિયાના ૧૯૦ દેશ આ સમજૂતી સાથે જોડાયેલા છે.નિક્કી હેલેએ નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, મને લાગે છે કે, બાકીની દુનિયા અમને જણાવવા માગે છે કે અમે પર્યાવરણ નિયંત્રણ કેવી રીતે કરીએ અને મને લાગે છે કે આ વાત અમેરિકામાં કોઈ પણ વ્યક્તિ જણાવી શકે તેમ છે કે અમેરિકાએ શું કરવું જોઈએ. આ વિશે નિર્ણય લેવા માટે અમે સર્વશ્રેષ્ઠ છીએ. અમારે ભારત, ફ્રાંસ અને ચીનને આ વિશે પૂછવાની જરૂર નથી.ટ્રમ્પના નિર્ણય વિશે વૈશ્વિક પ્રતિક્રિયા વિશે હેલેએ જણાવ્યું છે કે, તે દેશોએ તેમનું હિત જેમાં રહેલું હોય તે કામ ચાલુ રાખવું જોઈએ. જો પેરિસ સમજૂતી તેમના હિતમાં હોય તો તેમણે તેમાં જોડાયેલા રહેવું જોઈએ.ટ્રમ્પના નિર્ણયનો બચાવ કરતા હેલેએ જણાવ્યું છે કે, પેરિસ જળવાયુ સમજૂતીમાં જે પ્રમાણે નિયમો લાદવામાં આવ્યા છે તે પ્રમાણે વેપાર કરી શકાય નહીં. ટ્રમ્પ માને છે કે જળવાયુમાં પરિવર્તન આવી રહ્યા છે પરંતુ તે વેપારનો એક ભાગ છે. અમે પણ ચોક્કસ રીતે સ્વચ્છ હવા અને સ્વચ્છ જળમાં વિશ્વાસ રાખીએ છીએ જેથી વિશ્વમાં પણ અમેરિકાને આ વિશે દિશાસૂચક માની શકાય અને અમે તેના માટે પ્રયત્નો પણ કરી રહ્યા છીએ.