ચીને હાલમાં કહ્યું કે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં મેમ્બરશિપ માટે ભારતની બિડ આ ‘નવી પરિસ્થિતિ’માં ‘વધુ અઘરી’ બની ગઇ છે. ચીને ગ્રુપિંગમાં નવી દિલ્હીની એન્ટ્રીને ફરી એકવાર નકારી કાઢી છે અને કહ્યું કે નોન-એનપીટી સહીવાળા બધા દેશો માટે ભેદભાવ વગરનો ઉકેલ લાગુ થવો જોઇએ.ભારતને મોટાભાગના સભ્ય દેશોનો ટેકો હોવા છતાં, ચીન ૪૮ દેશોના ગ્રુપિંગમાં ભારતની મેમ્બરશિપને બ્લોક કરી રહ્યું છે, જે ન્યુક્લિયર કોમર્સને કંટ્રોલ કરે છે. નવા સભ્યના પ્રવેશ માટે આ ગ્રુપ સર્વસંમતિનો અભિગમ રાખે છે.
ચીનના વિદેશી બાબતોના આસિસ્ટન્ટ મિનિસ્ટરે જણાવ્યું, ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ માટે નવા સંજોગોમાં આ નવો ઇસ્યુ છે અને તે પહેલા કરતાં પણ વધુ કોમ્પ્લિકેટેડ છે.
જોકે, કયા નવા સંજોગો અને કોમ્પ્લિકેશન્સ તે વિશે તેમણે કોઇ ફોડ પાડ્યો નથી. તેમણે કહ્યું, “એનએસજી ભેદભાવ વગરના અને વૈશ્વિક રીતે લાગુ કરી શકાય તેવા ઉકેલ માટે સલાહ લેવી જોઇએ. એવો ઉકેલ જે એનએસજીના તમામ સભ્યોને લાગુ પડે.
પાકિસ્તાને પણ એનએસજી મેમ્બરશિપ માટે અરજી કરી છે. ચીને પાકિસ્તાનની મેમ્બરશિપને ખુલ્લો ટેકો નથી આપ્યો, પરંતુ તેઓનું કહેવું છે કે એનએસજીમાં નોન-એનપીટી દેશોના એડમિશન માટે એનએસજીના સભ્ય દેશોએ પહેલા તો ચોક્કસ સિદ્ધાંતો નક્કી કરવાની જરૂર છે અને પછી કેટલાંક સ્પેસિફિક કેસો પર ચર્ચા કરવાની જરૂર છે.