Aapnu Gujarat
રાષ્ટ્રીય

એક કિલો ગોમાંસના ઉત્પાદનમાં પાંચ હજાર લિટર પાણીનો વપરાશઃ જયંત સહસ્ત્રબુદ્ધે

આપણે જે કંઈ ચીજવસ્તુઓ ઉપયોગમાં લઈએ, પહેરીએ, ખરીદ-વેચાણ કરીએ કે ખાઈએ તેમાં પાણીનો કેટલા પ્રમાણમાં ઉપયોગ થયો હશે તેનો કદી તમે વિચાર કર્યો છે ખરો? પાણીના વપરાશને વૉટર ફુટપ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જમીનની સપાટી પર અને ભુતળના જળનો વપરાશ કરવામાં ભારત ઘણું આગળ છે, જે ચિંતાજનક બાબત છે. એક કિલો ગોમાંસના ઉત્પાદનમાં આશરે પાંચ હજાર લિટર પાણી વપરાય છે. આવું ને આવું ચાલતું રહેશે તો ભારત પાણીનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થતો હોય એવી ચીજવસ્તુઓની સૌથી વધુ નિકાસ કરતો દેશ બની જશે. આ બાબત દેશના પર્યાવરણને હાનિકારક છે, એમ વિજ્ઞાન ભારતીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી જયંત સહસ્ત્રબુદ્ધેએ ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ)ના એક પરિસંવાદમાં જણાવ્યું હતું.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે માનવજાત જેટલા પ્રમાણમાં પાણીનો વપરાશ કરે કે પ્રદુષિત કરે તેને વૉટર ફુટપ્રિન્ટ કહેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે એવી ચેતવણી આપી છે કે ધરતી પર પાણીનો વપરાશ બમણા પ્રમાણમાં વધ્યો છે. આ પરિસ્થિતિમાં સુધારો નહિ થાય તો વર્ષ ૨૦૨૫માં પાણીની મોટાપાયે તંગી સર્જાશે. પંજાબના ભટીંડામાં ઠંડા પીણાંની બહુરાષ્ટ્રીય કંપનીની ફેક્ટરી આવી ત્યારથી બોરવેલના પાણી ઊંડા ગયા છે એટલું જ નહિ તે પંથકના પરિવારોમાં કેન્સરનું પ્રમાણ પણ વધ્યું છે. પાણી જેવી જ બીજી ચિંતા ખાદ્યસામગ્રીના વહનથી ઉત્પન્ન થતા કાર્બનની છે. ગુજરાતમાં આપણે સિમલાના સફરજન ખાઈએ છીએ, પણ તેના વહનથી વાતાવરણમાં કેટલા પ્રમાણમાં કાર્બનનો ઉમેરો થયો તેનો વિચાર કોઈ કરતા નથી.ખાદ્યસામગ્રીના વહનમાંથી ઉત્પન્ન થતાં કાર્બનને ફુડમાઈન કહેવામાં આવે છે. અમેરિકામાં ફુડમાઈનનું પ્રમાણ ૧૨૦૦ કિલોમીટર છે, જ્યારે ભારતમાં તેનું પ્રમાણ ૩૫૦ કિલોમીટર છે. સમાજની આવી સમસ્યાઓની જાણકારી મેળવીને તેને હલ કરવાના પ્રયાસો કરવા એ સમયનો તકાજો છે.પ્રાચીનકાળમાં ભારત સર્વાધિક વિકાસદર અને નિકાસદર ધરાવતો દેશ હતો. વિજ્ઞાન અને ટેકનોલોજી તો પ્રાચીનકાળથી ભારતમાં ઉપયોગમાં લેવાતા રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સ્વદેશી વિજ્ઞાન અભિયાન તરીકે વિજ્ઞાન ભારતી સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે, જેમાં દેશના ટોચના મોટાભાગના વૈજ્ઞાનિકો સંકળાયેલા છે. વિજ્ઞાન ભારતીના દેશભરમાં ૨૭ એકમો કાર્યરત છે. આ સંસ્થા વર્તમાન ટ્રેન્ડ મુજબ વ્યક્તિગત દવાનો કન્સેપ્ટ ધરાવતી આયુર-જીનોમિકની દિશામાં કામગીરી બજાવી રહી છે.જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠના માર્ગદર્શન હેઠળ આ પરિસંવાદ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે જીટીયુના રજીસ્ટ્રાર બિપીન જે. ભટ્ટે જણાવ્યું હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે એવા સંશોધનો આવશ્યક છે કે જે સમાજની સમસ્યાઓ હલ કરવામાં ઉપયોગી બની રહે.

Related posts

યુપી સરકારે આંબેડકર પરિનિર્વાણ દિનની રજા રદ કરતાં વિવાદ સર્જાયો

aapnugujarat

પાકિસ્તાન જતી ત્રણ નદીનું પાણી ભારતે રોકી લીધાનો દાવો

aapnugujarat

અમૃતસરઃ સુવર્ણ મંદિર પાસે વધુ એક વિસ્ફોટ, 6 દિવસમાં ત્રીજી ઘટના; 5ની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1